ઠેકડી તે કરાતી હશે ?’
‘આકરી મરી ગઈ છે, તે તમારી ઠેકડી કરું?’ કીલાએ કહ્યું.
‘કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં,’ કહીને મનસુખલાલે ઉમેર્યું, ‘જે થયું છે, એ સારું થયું છે–’
‘કુદરતે જે ધાર્યું હતું એ જ થયું છે…’ વચ્ચે કપૂરશેઠ બોલ્યા.
‘કીલાભાઈ, તમે તો કમાલ કરી!’ ફરી ફરીને મનસુખલાલ એ ઉદ્ગાર કાઢી રહ્યા હતા.
‘ભાઈ, અજાણ્યા ને આંધળા બેય બરાબર ગણાય. હું તો આ પરભુલાલથી અજાણ્યો હતો ને તમારાથી તો વળી સાવ અજાણ્યો હતો,’ કીલાએ કહ્યું, ‘એમાં આ આંધળે બહેરું કુટાઈ ગયું – ’
‘ના, ના, આંધળે બહેરું તો કાંઈ નથી કુટાયું,’ કપૂ૨શેઠે કીલાના કથનમાં સુધારો કર્યો, ‘જેવો થાવો જોઈએ એવો જ જોગાનુજોગ થઈ ગયો છે – ’
‘તમને ભગવાને જ અમારે આંગણે મોકલ્યા એમ કહો ને!’ સંતોકબાએ કહ્યું.
‘ભગવાન ઉપર બહુ ભરોસો રાખવા જેવું નથી,’ કીલાએ મમરો મૂક્યો, ‘ભગવાન તો ઘણીય વાર સાચા માણસને ખોટે ઠેકાણે, ને ખોટા માણસને સાચે ઠેકાણે મોકલી દિયે છે.’
‘હવે રાખો, રાખો, કીલાભાઈ!’ મનસુખલાલે કહ્યું, ‘તમે તો બહુ રોનક કરી અમારી. હવે હાંઉં કરો, ભલા થઈને!’
મકનજી મુનીમે બાલુની જાન પાછી વળાવ્યા પછી એક ચોંકાવનારી વાત કરી. એણે જાહેર કર્યું કે દકુભાઈને ત્યાં ઓસરીમાંથી રૂપિયાની જે કોથળી ચોરવાનું આળ ઓતમચંદ ઉ૫૨ આવેલું, એ કોથળી કોઈએ ચોરી જ નહોતી. તેલના ખાણિયામાંથી એ કોથળી અકબંધ હાથ આવી, અને એ વાતની જાણ લાડકોરને થઈ, તેથી એ ભાઈને ઘે૨થી કાયમના