‘દૂર ન જઈએ તો નજીકમાં કોણ છે?—’
‘છે... છે!’
‘કોણ પણ?’
‘વરઘોડિયાં જ. બીજું કોણ?’
‘ક્યાં છે?’ કપૂરશેઠે કુતૂહલથી પૂછ્યું.
‘નજર સામે જ છે…’
‘નજર સામે?’
‘હા, મને તો દીવા જેવાં દેખાય છે–વર ને કન્યા બેય—’
‘કોણ, પણ?’
‘ચંપાબેન... ને... ને ઓલ્યા આવ્યા છે, એ પરભુલાલ શેઠ–’
‘અલ્યા, એનું સાચું નામ નરોત્તમ છે, ૫રભુલાલ શેઠ નહીં –’
‘શાસ્ત્રોને નામ સાથે સંબંધ નથી, કામ સાથે જ સંબંધ છે,’ ગોરે પોતાના ઘરનો શાસ્ત્રાર્થ ઘટાવ્યો. ‘કન્યાને તો કૌમાર્યગ્રહ ઉતા૨વા માટે ઝાડના થડ સાથે ફેરા ફેરવી શકાય... અરે, કોઈ મનુષ્યજાતિમાંથી વર ન મળે તો છેવટે ફૂલના દડાને પણ શાસ્ત્રોએ તો વર તરીકે માન્ય કરેલ છે, તો આપણી પાસે તો નરો માંહે ઉત્તમ કહેવાય એવા નરોત્તમભાઈ છે, પછી શી ફિકર છે?’
‘હા... ...!’
‘હા... ...!’
કપૂરશેઠને અને સંતોકબાને બંનેને ગોરનું આ સૂચન ટપક ક૨તુંક ને ગળે ઊતરી ગયું.
યજમાનને પોતાની યોજના જચી છે, એમ સમજાતાં જ ગોરે આંગળી અને અંગૂઠા વડે ચપટી વગાડીને કહ્યું: ‘શાસ્ત્રવચન શુભસ્ય શીઘ્રમ્—’
‘પણ આટલી બધી ઉતાવળથી કામ પાર પડી શકે ખરું?’
‘કહેવાય છે કે મુલતવી રાખવાનાં માઠાં ફળ—’