પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘પણ આ તો ઘડિયાં લગન જેવું થઈ જાશે—’

‘થવા દો, શેઠ! કહેવાય છે, સારાં કામ આડે સો વિઘ્ન! શાસ્ત્રવચન છે, કે—’

‘હવે તું તારાં શાસ્ત્રવચનની વાત બંધ ક૨, તો અમે કંઈક વિચાર કરી શકીએ—’

‘અવશ્ય વિચારો! પૂર્ણપણે વિચારો! શાસ્ત્રવચન છે કે વિચારશીલ મનુષ્ય જ–’

‘હવે ઘડીક મૂંગો રહીશ?’

‘જેવી યજમાનની ઇચ્છા!’

ગોર ખરેખર મૂંગો થઈ ગયો પછી કપૂરશેઠે કીલા સમક્ષ પોતાની નાજુક મુશ્કેલી વર્ણવી, અને એના નિવારણ માટે નિખાલસપણે, ચંપા જોડે નરોત્તમનાં લગન કરી નાખવાનો પ્રસ્તાવ મૂક્યો.

‘આ લગનબગન જેવી વાતમાં આ કીલો કાંઈ ન જાણે, ભાઈસા’બ!’ કહીને એણે સૂચવ્યું, ‘નરોત્તમના ભાઈને વાત કરો.’

‘ઓતમચંદ શેઠ તો ઠેઠ વાઘણિયે બેઠા, ને અહીં અમારો ગો૨–’

‘ઓતમચંદભાઈ તો અહીં તમારા ગામમાં જ છે—’

‘ક્યાં? ક્યાં છે?’

‘એભલ આહીરને ઘે૨–’

કીલા પાસેથી આટલી બાતમી મેળવીને તુરત કપૂરશેઠ એભલ આહી૨ના વાડા તરફ ઊપડ્યા.

૪૫૬
વેળા વેળાની છાંયડી