પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાતાવરણ જામેલું એ આ વળતી ખેપમાં દૂર થઈ ગયું હતું. એની જગ્યાએ નિકટતા, નિખાલસતા અને નર્યા ઉલ્લાસની હવા જામી હતી. પહેલી ખેપ વેળા ચંપા અને નરોત્તમ એકમેકની નજીક બેઠાં હોવા છતાં બંનેની વચ્ચે જાણે કે જોજનનું અંતર હતું. આ વખતે બંને હૃદયો અજબ સામીપ્ય અનુભવી રહ્યાં હતાં.

ગાડીવાન વશરામ હલકાભે૨ ૫૨ભાતિયું ગાતો હતો:

જાગિયે રઘુનાથ કુંવર…
પંછી બન બોલે…

સંતોકબા કે કપૂરશેઠને આવા ‘ગીતડા’માં જરાય રસ નહોતો પણ ચંપા અને નરોત્તમ તો ‘પંછી બન બોલે…’ની તૂક સાંભળીને અજબ આહ્‌લાદ અનુભવી રહ્યાં હતાં.

મારગની બેય બાજુએ ઊભેલી વનરાજીમાં પંખીઓ જાગી ઊઠ્યાં હતાં. વૃક્ષોનાં પાંદડાં વચ્ચે પાંખનો ફફડાટ સંભળાતો હતો. રાત આખી ચાંચમાં ચાંચ પરોવીને એકબીજાની ગોદમાં પડી રહેલાં પક્ષી યુગલો પોતાના કંઠમાંથી પ્રભાતનું મંગલ ગાન છેડી રહ્યાં હતાં. ગાડીમાં બેઠેલું એક હૃદયયુગ્મ પણ એવા જ અનુભવમાંથી પસાર થઈ રહ્યું હતું. અલબત્ત, વડીલોની હાજરીમાં એમની જીભ સિવાઈ ગઈ હતી, પણ ઊડું ઊડું થવા મથતી એમની પાંખોમાં ફફડાટ અછતો નહોતો રહેતો. એમના મૂંગા કંઠમાં પણ નવજીવનના પરોઢનું નિઃશબ્દ ગાન નીકળવા મથી રહ્યું હતું. સૃષ્ટિનું એ સનાતન ગાન બંને જણાંને ઓઠે આવીને અટકી જતાં આખરે આંખો વાટે છલકાઈ રહ્યું હતું.

પ્રથમ પ્રવાસ વખતે નરોત્તમ અને ચંપાનાં તારામૈત્રકો પકડી પાડીને મોટી બહેનને હેરાનપરેશાન કરી મૂકનાર નખરાળી જસી પણ અત્યારે બહેન-બનેવી વચ્ચે રચાતાં દૃષ્ટિસંધાનની પવિત્ર અદબ જાળવીને મૂંગી બેઠી રહી હતી. અરે, આમ આડે દિવસે તો ‘કાકા, આનું નામ શું ?’ ને ‘પેલાને શું કહેવાય ?’ એવા બાલિશ પ્રશ્નો પૂછી

પંછી બન બોલે
૬૩