પૂછીને નરોત્તમનો જીવ ખાઈ જનાર બટુક પણ કોઈ અંતઃસ્ફુરણાને વશ થઈને સાવ મૂંગો બેસી રહ્યો હતો.
આ સાર્વત્રિક મૌનનો ચેપ જાણે કે સંતોકબા અને કપૂરશેઠને પણ લાગુ પડેલો, તેથી તેઓ મનમાં ને મનમાં લગનની તૈયારીઓની યોજના ઘડી રહ્યાં હતાં. એમ પણ વિચારતાં હતાં કે ચંપા ઠેકાણે પડી એટલે હવે નાનકડી જસી માટે પણ મનગમતો મુરતિયો મળી જાય તો બેય બહેનોનાં લગન એકસાથે જ ઉકેલી નાખીએ.
‘લ્યો, આ ઠેસન તો કળાણું !’ પરભાતિયાં ગાઈ ગાઈને થાક્યા પછી વશરામે કોઈને ઉદ્દેશ્યા વિના જ જાહેર નિવેદન કર્યું.
છતાં વશરામના આ નિવેદનમાં હા-હોંકારો ભણવાનું કોઈને ન સૂછ્યું, પોતપોતાનાં દિવાસ્વપ્નોમાં વિહરી રહેલાં આ પ્રવાસીઓ હજી પણ મૂંગાં જ રહેવા માગતાં હતાં.
પણ વાતોડિયા વશરામ માટે આ મૌન અસહ્ય હતું. એણે તો પછવાડે જોઈને પૂછ્યું: ‘કેમ બટુકભાઈ, કાંઈ બોલતા નથી ?’
કાચી ઊંઘમાંથી ઊઠીને ગાડીમાં ચડી બેઠેલો બટુક, સવારના પહોરની શીતળ લહે૨ીઓની અસર થતાં ચંપાના ખોળામાં જ ઊંઘી ગયેલો તે વશરામના આ પડકારનો પરિચિત અવાજ કાને પડતાં ઝબકીને જાગી ગયો.
ગાડીમાંથી કોઈ પણ માણસ અત્યારે મારી સાથે વાતચીત કરવાના ‘મૂડ’માં નથી એમ સમજાતાં વશરામે બટુકને જ પૂછ્યું: ‘કોના ખોળામાં ઊંઘી ગ્યા’તા, હેં બટુકભાઈ ?’
‘કહો કે કાકીના ખોળામાં —’
પ્રભાતના રમ્ય વાતાવરણમાં પહેલી જ વાર રૂપાની ઘંટડી રણકી ઊઠી.
ચંપા આ વાક્ય બોલતાં તો બોલી ગઈ, પણ ગજબની શરમાઈ ગઈ.
બટુકે તો એથીયે અદકા મધુર અવાજે કાલી કાલી ભાષામાં એ