લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાલુના ‘પાણી’નો તાગ લઈને સંતોકબા હજી તો કશો ઉત્તર આપેએ પહેલાં કોણ જાણે કેમ, ચંપાએ તિરસ્કારમાં પોતાનો ઓઠ મરડ્યો. ચંપાના એ આંગિક અભિનયનો, વાચિક અભિનયમાં આ પ્રમાણે અનુવાદ થઈ શકે: ‘જોયો હવે બાલુ ! એમાં તે વળી પાણી કયે દહાડે બળ્યું હતું !’

મોટીબહેનનો આ અભિનય જોઈને જસી છેડાઈ પડી. એણે ઉગ્ર અવાજે પૂછ્યું: ‘કેમ હોઠ મરડવો પડ્યો, ભલા ?’

આ પ્રશ્ન જ એવો હતો, જેનો ઉત્તર આપવા માટે ચંપાએ ફરી વાર એ જ ઓષ્ઠાભિનયનો આશરો લેવો પડે. સારું થયું એ પહેલાં સંતોકબાએ જ અભિનયનું વિવેચન કરી નાખ્યું:

‘બાલુ તો સાવ બાઈમાલી જેવો લાગે છે. એનામાં રતિ ક્યાં છે ?”

‘બોલો મા, બા, એવું બોલો મા,’ ચંપાએ સંતોકબાને અટકાવ્યાં. ‘જસીને તો બાલુ બહુ જ ગમી ગયો છે—જાણે રાજાનો કુંવર ! કેમ જસી ?’

જસી ત્રીજી વાર લજ્જા અનુભવીને આંખો ઢાળવા જતી હતી. ત્યાં તો સંતાકબાએ તોડીફોડીને કહી જ દીધું:

‘અરે ધૂળ રાજાનો કુંવ૨ ! મોઢા ઉપરથી માખ ઉડાડવાની તો સૂધ નથી. દિવસ આખો નાયકાની જેમ પટિયાં પાડીને ફર્યા કરે ને રાગડા તાણ્યા કરે એમાં શું વળ્યું ? દોકડાભાર રતિ તો એમાં દેખાણી નહીં.’

‘મને પણ છોકરો સાવ મવાલી જેવો લાગ્યો,’ પતિએ સમર્થન કર્યું. ‘ક્યાં નરોત્તમ ને ક્યાં બાલુ… હાથીઘોડાનો ફેર… જેનામાં પાણી હોય એ કાંઈ અછતું રહે ?’

જસીને બગાસું નહોતું આવતું છતાં એણે મોટે અવાજે કૃત્રિમ બગાસું ખાધું અને બોલી ઊઠી: ‘મને તો ઊંઘ આવે છે, સૂઈ જાઉં, જલદી.’

૭૨
વેળા વેળાની છાંયડી