પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ના, એમ, “લખાશે” કહો એ ન ચાલે. મારો મનસુખભાઈ તો પહેલો. સમાચાર મોડા લખીએ તો એને માઠું લાગી જાતાં વાર ન લાગે. ગઈ દિવાળીએ હું રાજકોટ ગઈ’તી ત્યારે એણે તો ચોખ્ખું કીધું હતું કે મને પૂછ્યા વિના ચંપાનું વેશવાળ જ ન કરશો.’

‘એમ ?’

‘હા, એ તો કહે છે કે ચંપા તો મોટા લખપતિને આંગણે શોભે એવી દીકરી છે. એને જેવેતેવે ઠેકાણે નાખી ન દેશો.’

પણ આપણે ક્યાં મોળું ઠેકાણું ગોત્યું છે ?’

‘પણ ચંપાના મામાને પૂછી-કારવીને પછી ગોળ ખાધો હોત તો ઠીક થાત,’ સંતોકબાએ એકાએક ગંભીર અવાજે કહ્યું.

‘હવે ન પૂછ્યું તો એમાં શું ખાટુંમોળું થઈ જાવાનું હતું ?

‘ખાટુંમોળું તો નહીં, પણ મારા ભાઈનો સ્વભાવ તમે જાણતા નથી ? ધૂળ જેવી વાતમાં એને માઠું લાગી જતાં વાર ન લાગે.’ સંતોકબા બોલ્યાં. ‘આ તો લગન જેવી મોટી વાત, એમાં મોસાળિયાંને મોટાઈ આપી હોય તો સારું લાગે; બીજું શું ?’

‘ઠીક લ્યો, હવે કાલ સવારમાં જ હું મનસુખભાઈને મજાનો કાગળ લખી નાખીશ. આપણે ક્યાં મોળું ઠેકાણું ગોત્યું છે તે એને માઠું લાગે ?’

ચંપાનું ચિત્ત આવી વહેવારડાહી વાતોમાં નહોતું. વસંતના વાયરાથી પુલકિત બનેલી એની મનોસૃષ્ટિમાં તો એક નવી જ દુનિયા વસી ગઈ હતી. એ નૂતન સૃષ્ટિમાં રમમાણ ચિત્ત લઈને એ મોડે મોડે મેડી ૫૨ સૂવા ગઈ.

પથારીમાં પડી, પણ આંખમાં ઊંઘ જ ક્યાં છે ! એનાં પોપચાં ૫૨ નવજાત પ્રણયનો જે પરિમલ પથરાયો હતો એ બંને પાંપણને ભેગી થવા દે એમ ક્યાં હતો ?

અત્યારે પણ આ પ્રણયમુગ્ધા સૂતી તો હતી. મેંગણી ગામની

૭૪
વેળા વેળાની છાંયડી