ડૂબેલા ઓતમચંદને સ્વપ્ને પણ આવી શંકા ઊપજતી નહોતી, બલકે એ સંભવિત આપત્તિ સુધી કલ્પના દોડાવવાનો હાલ એને અવકાશ જ નહોતો. પણ લાડકોરનું સ્રીહૃદય આવી સંભાવનાને કેમ ઉવેખી શકે ? એની ચકોર નજર જોઈ શકતી હતી કે નરોત્તમના ચહેરા ઉ૫૨ ઓતમચંદ કરતાંય બમણો વિષાદ તોળાઈ રહ્યો છે. લગ્નોન્મુખ દિયરની એ ગમગીનીનું કારણ કળવાનું લાડકોર માટે જરાય મુશ્કેલ નહોતું. તેથી એણે અગમબુદ્ધિ વાપરીને પતિને બીતાં બીતાં સૂચન કરેલું:
‘આપણે તો પાયમાલ થઈ જ ગયાં, પણ નાના ભાઈ નરોત્તમનું તો ઘર સાજું રાખો… …કે આપણા ભેગો એનેય બાવો ક૨ી મૂકવો છે ?’
‘કોઈ કોઈને બાવો કરી શકે એમ નથી,’ ઓતમચંદે પોતાની ફિલસૂફી ડહોળી. ‘સહુ પોતપોતાની શેર બાજરી બંધાવીને આવ્યા છે, સમજી ?’
‘હું તો સમજી, પણ વેવાઈવાળા સમજશે ?’ લાડકોરે માર્મિક પ્રશ્ન પૂછ્યો. ‘ઘસાઈ ગયેલે ઘેર દીકરી વરાવતાં એમનું મન માનશે ખરું ?’
‘એમાં જ એની પરીક્ષા થાશે—ખબર તો પડશે કે આપણા વેવાઈ કેટલા પાણીમાં છે !’ ઓતમચંદે ગમગીન ચહેરે કહ્યું. ‘આવે પ્રસંગે માણસનું પાણી પરખાય. સાચું મોતી હોય તો આવા હજાર ઘા ખમી ખાય, ફટકિયું ફટ કરતુંકને ફૂટી જાય, સમજી ?’
પતિની સલાહસૂચના લાડકોરને સમજાય કે ન સમજાય પણ એ શિરસાવંદ્ય તો ગણાય જ.
ઓતમચંદ એક પછી એક મહામૂલાં રાચ પરિહરવા લાગ્યો. એકેક ચીજ વેચાતી હતી ને લોકોને વગોવણીનો એકેક વધારે વિષય મળતો જતો હતો. હરેક પ્રસંગે લાડકોરનો જીવ કળીએ કળીએ કપાતો હતો પણ ઓતમચંદના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર લગીરેય રંજ નહોતો દેખાતો. એ તો જાણે કે જનક વિદેહીની અનાસક્તિથી