પૃષ્ઠ:Venina Ful.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.કાળૂડો રંગ

હાં રે મને વાલો છે
આભમાં ઉભેલી કો વાદળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
હીરલે મઢેલી મધરાતડીનો કાળૂડો રંગ.

હાં રે મને વાલો છે
ભાભી તણા ઘાટા અંબોડલાનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
માવડીનાં નેણાંની કીકીઓનો કાળૂડો રંગ.

હાં રે મને વાલો
ગોવાળણીની જાડેરી કામળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો
ગોવાળ તારી મૂછોને દાઢી તણો કાળૂડો રંગ.