પૃષ્ઠ:Veranman.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની અંધાર-ગલીમાંથી
૧૦૯
 


છતાં–છતાં એ બધો વખત મારા કાનમાં એનાં નિશ્ચલ નિ:સ્તબ્ધ, શબ્દો અફળાઈ રહેલ હતા:-

“બંધવા, તારો જાન નીકળતાં સુધી તને ગર્દને રસી નાખી લટકાવવામાં આવશે–ઈશ્વર તને શાંતિ આપે !”

એ બધી વિધિ ખલાસ થઈ. જેલને માર્ગે મને પીંજરાગાડી લઈ જતી હતી, તે વખતે મૃત્યુની અને મારી વચ્ચે ત્રણ જ રવિવાર ઊભેલા હતા.

પોલીસ અમલદારો, દાક્તરો, વોર્ડરો વગેરે મને હિંમત દેવા લાગ્યા. “નિરાશ થા નહિ. હજુ તો તારા બચાવની પૂરેપૂરી તક તારા હાથમાં છે.”

આ દિલાસા સાંભળવાની મને કશી જ તમા નહોતી રહી. મારે મનથી તો ધરતીનો છેડો આવી રહ્યો હતો.

*

પત્નીનો કાગળ આવ્યો; “વહાલા, મારા બાપુનો કાગળ તમને મળ્યો ? એ પણ મારી માફક જ તમને નિર્દોષ માને છે. ને અપીલ કરવા માટે તમને વેળાસર મળવા આવવા માગે છે. તમે હિંમત રાખજો. ગમે તે થાઓ, પણ તમે મારા હૃદયમાં સદાને માટે દેવ સમા જ રહેવાના. આપણે બહુ થોડો જ સમય ભેગા રહેવાનું સરજાયું હશે. થોડું છતાં કેવું કેવું અણમૂલ ! હું તો મને આટલું ટૂંકુ પરણેતર મળ્યું તે બદલ પણ ઈશ્વરનો આભાર માની રહી છું. મને હવે એનું મૂલ સમજાય છે. અને વહાલા ! જુઓ, તમને હું મારી નવી છબી