પૃષ્ઠ:Veranman.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

ઉદ્બોબોધનો સ્વાનુભવે સૂઝેલી માર્મિક ઘટનાઓ તેમજ નવનવી વાંચાતી ચોપડીઓમાંથી જડતા ચિત્રાત્મક શૈલીના પ્રસંગો દોરી આપવાનું પ્રિય કાર્ય કરવા મળ્યું. દૈનિક અખબારના પંથહીન વેરાનમાં ઝીણી સાહિત્ય-બત્તીએ માર્ગ દાખવ્યા.

આજે તમારી સન્મુખ જે ધરી રહ્યો છું તે બધાં પેલી ઝીણી બત્તીએ દેખાડેલી પગદંડીનાં જ પગલાં છે. એક દિવસ પુસ્તકાકારે મૂકવા થશે એવી ચોખ્ખી નેમ રાખીને જ હમેશાં અથવા અઠવાડીએ આ લખ્યાં હતાં. દૈનિક વર્તમાનપત્રની પસ્તીમાં તણાઈ જવા દેવાની ઉપરછલી ગણતરીથી એ નહોતાં દોરાયાં, અને વિષય એના દેખીતી રીતે જૂજવા જૂજવા છતાં એ તમામની આરપાર પરોવાએલો છે મારી એક જ ભાવનાનો દોરો, કે આપણી માનવતાને જગાડનારો સાહિત્ય-રસ એમાં હોવો જોઈએ.

વિશાલ પટ ઉપર હું ધુમ્યો છું. વીક્ટર હ્યુગોના 'ધ લાફીંગ મેન' પરથી 'હું કોણ છું ’નો ઉઠાવ કર્યો, રશિયન લેખક રોમાનોવ 'વીધાઉટ ચેરી બ્લૉસમ્સ' પરથી 'જીવન-વાટ' ઉતાર્યું ; 'દીકરાની મા' દોર્યું ગોર્કીના 'મધર' પરથી.

'રોજ સાંજે,' 'જાતભાઈઓ,' 'રંગમાં ભંગ,' 'એના પગની પાની,' 'જાનત હે દરદી દરદીકી' જેવાં મર્મચિત્રો જે નિજ આાંખે જોયું તેમાંથી નીપજ્યાં.