પૃષ્ઠ:Veranman.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
વેરાનમાં
 

આ છે. એક રાજલગ્નની ચોપાસ અનેક બીજાં આંતર્લગ્નો ઊજવાયાં હશે. અનેક વાળા યોદ્ધાઓ કાઠી પુત્રીઓને પરણ્યા હશે. અને એ સો પાંચસો આંતર્જાતીય લગ્નનો ફાલ સોરઠની તવારીખમાં કંઈ ઓછો શોભ્યો છે !

+

શિહોરના બ્રાહ્મણ રાજવી અને ધાંખડા બાબરીઆની રાજકન્યા: બેઉનાં લગ્નમાંથી કોટીલા કોમનો ઉદ્દભવ: ખસની કોળી–કન્યા અને સેજકપુત્ર વીસાજી ગોહિલ વચ્ચેનું પ્રેમલગ્ન: તેમાંથી નીપજ્યા કેરીની ફાડ સમી આાંખોવાળા ખસીઆ જોદ્ધાઃ રાજપુત્ર અને કાબાની કાળી કાળી માછીકન્યા: તેમનાં લગ્નમાંથી ફાલ્યું વાઘેરકુળ. જેઠવાનો ટીલાત અને મેરની કુમારી; એ બેના વિવાહે રાજસખા મેરોની 'રૂડી' માનવ–વેલ્ય ઉગાડી.

×

સોમૈયા દેવની સખાતે જતો અરઠીલાનો ગોહિલ કુમાર હમીર લાઠીઓ યવનોની ચડાઈ સામે મૃત્યુ તો નક્કી જ છે કરીને ચડ્યો હતો. મસ્તક સોમનાથ મહાદેવને કમળ-પૂજામાં અર્પીં દીધું હતું. પણ પાછળ વંશ રહે, અને પોતાની જોડે હિન્દના દેવને રક્ષવા માટે બીજી મદદ મળે તે સારુ થઈને એણે ગીરની, દોણ-ગઢડાની ઝાડીની અંદર વસતા ધનુર્ધારી ભીલરાજ વેગડાની કન્યા જોડે વિવાહ કર્યો, એ એક જ રાતના લગ્નમાંથી નીપજેલા ગોહિલ શાખના ભીલો આજ પણ કોડીનાર પંથકમાં વસે છે.

×