પૃષ્ઠ:Veranman.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વડવાંગડું
૧૫૭
 

લીલાં: કોઈ વાંભ વાંભ લાંબાં, કોઈ ફુટની પહોળાઈનાં, ભિન્ન ભિન્ન કદનાં, આખે શરીરે કાળા કાળા મકોડા બાઝેલા: પ્રત્યેકની ઉપર કોઈ મનુષ્ય બેઠેલાં: વિશેષ અર્ધનગ્ન સ્ત્રીઓ ઊભેલી: દારૂના સીસા પડેલા: દવાના બાટલા લટકે.

કોઈને આખે શરીરે ભજીઆં કે સેવ મરમરાના ડાધા, કોઈકોઈની અંદરથી પાંઉરોટીની ભભક છુંટે, કોઈ વળી મસાલાની તીખી બદબો છાંટે છે.

તમામ મારા મોં ઉપર પાંખો લગાવી બૂમો પાડતા હતા: "ઊઠ ! ઊઠ !"

મેં બેબાકળા થઈને પૂછ્યું કે “મુરબ્બીઓ, તમે કોણ છો ?”

જવાબમાં દરેક પક્ષી બોલી ઊઠ્યું: “અમો ! અમો ! અમો !”

"પણ 'અમો' એટલે કોણ ?"

“અમો એટલે કોણ ?” તમામે પાછી ફડાફડી માંડી, “અમોને નથી ઓળખતો ને માટે વિવેચક થયો છે ! સવાર પડતાં તારા પીછડાં નહિ ખેરી નાખીએ બચ્ચા ! 'અમો' શબ્દથી તો માંધાતાઓનાં કલેજાં ધ્રૂજે છે, સત્પુરુષો નાસી જાય છે, ભલભલાઓ અમારા મુખના બે પ્રશસ્તિ-બોલ સારુ અમારા ચચ્ચાર દાદરનાં પગથિયાં ઘસે છે, એવા 'અમો' ને તું ઓળખવાની પણ ના કહે છે પામર !”

“ઓહોહો ! ઓળખ્યાં ઓળખ્યાં. આપ તો વર્તમાનપત્રો."