પૃષ્ઠ:Veranman.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
વેરાનમાં
 


મેં એનું લલાટ પપાળ્યું. મારો હાથ દાઝ્યો. એ ખદખદતા ચરૂ જેવા કપાળમાં કશોક સળવળાટ થયો.

“તારા કપાળની ખોપરી નીચે આ શું સળવળે છે ?” મેં એને પૂછ્યું.

“એક સ્ત્રી અને બે બાળકો.” એણે ઉંચે જોઈને જવાબ દીધો.

“ક્યાં છે એ ?"

“છે તો અહીંથી પાંચ ગાઉ પરના એક પરામાં.”

“દિવાનો છે કે શું ?” મેં પૂછ્યું “અહીં ક્યારનો બેઠો છે તું ?”

“એકસો ને બાવીસ વર્ષોથી.”

“શું કરે છે ?”

“લોહીનું પાણી કરું છું. ફેફસાંને ક્ષયનાં જંતુઓનો મધપૂડો બનાવું છું. પત્નીને અને બાળકોને શેકી શેકી ખાઉ છું.”

“તું વાઙ્મય સર્જે છે ?”

“એ તો નથી જાણતો હું. પણ રોજેરોજ, પલે પલે વિશ્વના નવવિચારો ને નવઆાંદોલનોના મારા મેજ પર ખડકાતા ઢગલાને ગુજરાતી ભાષામાં ઉતારવા જતાં મારા માથાની ખોપરી ફાટતી મેં અનુભવી છે. રસ્તે ચાલતું માનવી ઝટ ઝટ સમજીને વાંચી લ્યે એવું ભાષા-ઘડતર કરતાં કરતાં મારા પેટમાં લાખો બીડીઓ ને હજારો ચહાના પ્યાલા રેડાયા છે. કોઈ કોઈ વાર ઉજાગરે બળતા આ કલેવરને ટકાવવા મેં પ્યાલી બે પ્યાલી—”