પૃષ્ઠ:Veranman.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માની એરણ ઉપર
૧૭૧
 

પરણવું પડ્યું છે. કાળસિંધુનો હરએક યુગ લાખો માન–વહૈયાંની યુદ્ધભૂમિને જોતો આવે છે. એ પ્રત્યેક હૃદયમાં કોઈ ન જાણી શકે તેવાં સમરો ખેલાયાં છે. એ પ્રત્યેક સમરભૂમિની અંધારી ખાઈઓમાં અદીઠ મુડદાં સંઘરાયાં છે. તારીય એ ઊંડી હૃદય–ખીણને ગોપવી રાખીને ઓ મૂર્ખ ! પ્રેમ વગર પરણી લે, પરણી લે.

×

અપરાધીને દેખી તું હસે છે ? તિરસ્કાર કરે છે ? જેને ભૂલી જવા માટે તું હજારો રૂપીઆા ખર્ચવા ખુશી હોય એવું શું એકાદ આચરણ તારા જીવનમાં નથી છુપાઈ રહ્યું ? રાત્રિએ બિછાનાને ઓસીકે જ્યારે તારૂં માથું ઢળે છે ત્યારે શું તું પ્રાર્થના નથી કરતો કે ઓ અંધકાર ! આ એક ભૂલ પર ઢાંકણ કર ! માટે ભાઈ રહમ દેજે ! પડેલાંને, ભાંગી ભુકો થયેલાંને, પારકા અપરાધનું નિમિત્ત બની બેઠેલાંને, પાપીને, સર્વને રહમ દેજે !

અદના માણસની પણ નોંધપોથી કે કાગળચિઠ્ઠી તું જ્યારે ચોરી ચુપકીદીથી ઉઘાડતો હોઈશ ત્યારે તને નિર્લજ્જને, તને મતલબીનેય ઘડીભર તો એમ થઈ જતુ હશે, કે તું આત્માના શયનમદિરમાં ડોકિયું કરે છે–કે જ્યાં જોવાનો હક્ક ફકત એક ઈશ્વરને જ હોઈ શકે.

×

એક વિધુર વૃદ્ધની રોજપોથીમાંથી:

“આપણો પુત્ર મારા પ્રેમનો પડઘો પાડી શકતો નથી. જુદો રહેવા ચાલ્યો ગયો છે. મને આશા હતી કે બાપની