પૃષ્ઠ:Veranman.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-વાટ
૨૭
 


ઉનાળાની રજાના દિવસો: છાત્રાલય ખાલી: રંગરોગાન થતા હતા; ચોમેર ઉકળાટ હતો. હું વિચારતી બેઠી: મારું કલંક લલાટ પર લઈ લેવામાં મને શરમ નહોતી. પરંતુ... મારી નિરાધારી વચ્ચે હું એ અસહાય, જીવતા જીવને kયાં ઉતારો આપીશ ? કોણ સંઘરશે ?

બે હથેળીઓમાં માથું ટેકવીને ઝાઝી વાર હું બેઠી રહી. નિશ્ચય કર્યો, ચાલી: પાપમાં સાથ પૂરે તેવું દાkતરખાનું શોધવા. એક પછી એક નામનાં પાટીઆાં વાંચતી ચાલી.

દવાખાનું આવ્યું. દાખલ થઈ પાછી ફરી. વારંવાર અંદર ગઈ ને બહાર આવી: પાપની પળને બને તેટલી અળગી ધકેલવા માટે.

એકાએક મને યાદ આવ્યું : બાવળીનાં કુરકુરિયાંને ભાઈ ડૂબાવતો હતો ત્યારે બાવળી કેવી રોતી રોતી ભાઈના પગમાં આળોટતી’તી. ભાઈના હાથ ચાટતી’તી !

ને કુરકુરિયાં પાણીની બહાર આવવા મથતાં’તાં એટલે ભાઈએ લાકડીના ગોદા મારી મારીને કુરકુરિયાંને ડુબાવ્યાં હતાં. બાવળીની કલ્પનાએ મને જાણે સાદ દીધો: પાછી વળ ! પાછી વળ !

હું પાછી વળી, અને મેં દોટ દીધી. દવાખાનાનાં બારણાં જાણે મને ઝાલવા મારી પાછળ ચીસો પાડતાં દોડ્યાં આવે છે. છાત્રાલયમાં હું હાંફતી બેઠી. થાક ઊતર્યો ને તે જ ઘડીએ મને કંઈક એવું થયું કે જેને હું કદી નહિ વીસરી શકું.