પૃષ્ઠ:Vevishal.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાવ તો પકડી શક્યો કે 'આની ચીજો ચોરતાં પહેલાં વિઠોબા મને આંધળો ભીંત જ કરે! હું મોટર ખટારામાં ચગદાયેલો તે દિવસે મારી સારવાર આ શેઠે જ કરેલી. મને ભાત ભેળો પણ એ જ કરે છે. એના તો ઘણા ઉપકાર.'

"બસ, ચલા!" કહી ખુશાલે ટોપલો ઊપડાવવા માંડ્યો.

"નહીં શેઠ, હજી વજન નથી થયું. જાસ્તી વાસણ મૂકો." ઘાટીવાળાએ સામેથી વધુ બોજ માગ્યો.

"હવે, મરી રહીશ ઠાલો ! ને આજે તો થોડુંક જ રખડવું છે." કહીને ખુશાલે ટોપલો પાટીવાળાના શિર પર ચડાવ્યો, ઉપર ત્રાજવાં ને તોલાં મૂક્યાં.

ધોળે દિવસે પણ જે લતા બીકાળા લાગે, મુંબઈમાં ને મુંબઈમાં જે લત્તાઓ પાંચસો માઈલ દૂરના પરદેશી પ્રદેશો લાગે, એકાદ ચહેરો પણ જ્યાં પરિચિત રેખાઓવાળો ન મળે, પ્રત્યેક મોં પર જ્યાં વાત વાતમાં હુલ્લડની પ્યાસ ડોકિયાં કરતી લાગે, એવા દેશી લત્તામાં ને પરદેશી લત્તામાં આગળ આગળ ચાલતા ખુશાલભાઈનો કંઠ કોણ જાણે કેવીય જુક્તિ કરીને વિચિત્ર જાતના અવાજો કાઢતો ગયોઃ"ડેગ્ચી! ડે...ગ્ચી! હાં...ડી! હાં...ડી!"

કોઈને 'ચાચા' તો કોઈને 'ખાંસા'બ'કહીને બોલાવતો, કોઇને સલામ આલેકૂમ કહી અદબ કરતો ને કોઈ બીજાને 'ક્યું રે મિયાં ઠેઠણેંઠે' જેવા ઠેકડીના બોલે બોલાવી સામેથી 'મહેરબાન ખુશાલભાઇ! અરે યાર! આતે ભી નૈ!' એવા વિનયભર્યા શબ્દો સાંભળતો ખુશાલ જૂના ઘરાકોની મહોબત કરતો ગયો. વગર ઉઘરાણીએ પણ સામે ચાલી કેટલાક ગ્રાહકો એને શરમિંદા શબ્દોમાં કહેતા હતા કે "લડકેકી કસમ, ખુશાલભાઈ! આતે મહિનેમેં પૈસા ચૂકા દૂંગા! ન ચુકાઉં તો તુમેરે જૂતે ઔર મેરા મું!"

"ફિકર નહીં ફિકર, જનાબ!" ખુશાલનો એ જ જવાબ હોય.

સૌને ખુશાલ સુખલાલની પિછાન દેતો ચાલ્યો" "આ મારો નાનેરો