પૃષ્ઠ:Vevishal.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માટે બચાવ આગળ કર્યો એ પ્રશ્ન એના મનમાં રમ્યો. ઘડી પછી એને જ નવો વિચાર ઊપડ્યો કે પેલા વિજયચંદ્રની થનારી એ કન્યાની સુકીર્તિની મારે શીદ આટલી રખેવાળી કરવી પડે છે? એ મારી નથી થઇ શકવાની, છતાં મનને કોણ એમ ગોખાવ્યા કરે છે કે એ તારી છે, તારી છે, તારી છે?

"તારા બાપા કેમ કાયર થઇ ગયા છે?"

"કાયર?"

"હા, એ તો વેશવાળ મેલી દેવાની વાત કરે છે."

"મેલ્યાં!"

એ શબ્દ સુખલાલ જ બોલ્યો કે બીજો કોઈ, તેની જાણે કે ખાતરી કરવા ખુશાલે સુખલાલની સામે તાક્યું. સુખલાલ બબડતો હતોઃ "શા માટે મેલું?" સુખલાલના મોં પર ધગેલા રુધિરની લાલશ હતી.

"શાબાશ, ભડ!" એટલું બોલીને ખુશાલ અટકી ગયો. રખેને આ હિંમત હજુ કાચી હોય ને કદાચ વધુ તપાવ્યે તરડાઈ બેસે, એ બીકે અબોલ બનેલા ખુશાલે પોતાની હાટડિ નજીક આવી ત્યારે ફરી પૂછ્યું: "ઈ વિજયચંદ્ર કોણ છે?"

"કોણ જાણે."

"આટલા આંટાફેરા ઇ ત્યાં શું કામ ખાધા કરે છે - તારે સાસરે?"

“એને ખબર."

"ઠોંસાવવો જોવે! કોઈ કોઈ વાર એને જોઉં છું, ત્યારે મારા સમ ખાઈને કહું છું કે, એને ઊભો રાખીને બે તમાચા ખેંચી કાઢવાનું ન થાય છે."

સારું થયું કે સુખલાલને પોતને શેનું મન થતું હતું તે ન બોલ્યો, નીકર ખુશાલભાઈ નિશં:ક ક્યાંક ઓડી બાંધત.

બાકી રહેલાં વાસણો પાછાં હાટડીમાં ગોઠવતે ગોઠવતે ખુશાલે આવા થોડાક કડક શબ્દો કહ્યા કર્યા, ને પછી ગજવામાંથી રૂપિયા કાઢી