પૃષ્ઠ:Vevishal.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

23

પહેલી ચકાસણી


'બચાડા જીવ' એવો અંતરોદ્ગાર અનુભવતી પત્નીએ ભાંગતી રાત્રિના એ ત્રણેક વાગ્યે પતિના કંઈક વર્ષો પછીના ખેંચાણમાં માથું નમતું મૂક્યું. કપાળ કપાળને અડક્યું, ત્યાં તો પોતે દાઝી ઊઠી. સ્વામીનું લલાટ અનેક પ્રકારના ઉશ્કેરાટના ચૂલા પર ખદબદતી તેલ-કડા સમું હતું. એ આલિંગનમાં સાત્વિક શાંતિની શીતળતા કયાં હતી ! પ્રસન્ન પ્રેમની મધુરી હૂંફૂ પણ નહોતી.

"સુશીલા કયાંક જાગશે...." એમ બોલી એણે માથું હળવેક રહીને સેરવી લીધું.

"ઉપડી શકશો સવારની ગાડીમાં ?"

"શા સાટુ નહી ! તમે કહેતા હો તો -!

"હું અત્યારે કહું છું તેનું કારણ બદલી ગયું છે મને હવે આંહીં સુશીલાને રાખવામાં આપણી આબરૂની રક્ષા નથી લાગતી. તમે બેવ જણાં થોડા દિવસ થોરવાડ જઈ આવો. હું તેજપુર આપણી દુકાન પર તાર કરી દઉં છું. મહેતો આજ ને આજ થોરવાડનાં મકાન સાફસૂફ કરાવી આવશે."

"ભલે."

"તો અત્યારથી જ તૈયારી કરો."

"બધું જ તૈયાર છે. લૂગડાલંત્તાં સિવાય તો કાંઇ લઈ જવાનું નથી."

થોરવાડમાં ત્રણ જ વર્ષ પર ચણાવેલા નવા મકાનમાં તવેથાથી માંડી થર્મોમિટર સુધીની તમામ ચીજો ચંપક શેઠે વસાવી મૂકી હતી, એટલે મુંબઈ થી બીજું કશું લઈ જવાની જ ખરેખર જરૂર નહોતી.

"ભાઇને ને વહૂને વાત કરી છે ?"

"એ તો સવારે કહી દેશું. ભાઇતો સમી સાંજનો ઘોંટી ગયો છે.