પૃષ્ઠ:Vevishal.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહો તો હું તમને રોટલીને માથે ગોળ દઈશ."

છોકરાં બાપનો ઠપકો સમજ્યા વગર જ ચૂપ થઈ બેઠાં. ને પિતા પાછો સામી પરસાળે ચાલ્યો. એણે એકઢાળિયામાંથી ઘાસના પૂળા બહાર કાઢી જથ્થો ખડક્યો, ને પછી અંદર રસોડાને ઓરડે પ્રવેશ કરવા જાય છે ત્યાં તો એણે સળગતા ચૂલા પર તાવડી મૂકીને અધૂરા રહેલા લોટને પાણીમાં મસળતું કોઈક દીઠું.

"અરે, બાપ ! બાપ!"

એટલું બોલીને એ પાછા ફરી બહાર નીકળ્યા. પત્નીની પથારીવાળા ઓરડામાં જઈ બેબાકળા પૂછ્યું : "ચૂલે કોણે સુશીલાને બેસાડેલ છે?"

"ના... ના, બે...સા... રા... ય... કાં... ઈ? ... હું... એ... વી... અ... ણ...સ... મ... જુ... છું...?"

" અરે આ બેઠાં બેઠાં લોટ મસળે."

એટલું જ બોલીને દીપા શેઠ ઘરની બહાર નીકળી ગયા. એકઢાળિયામાં (કોઢમાં) એક વાછડી બાંધી હતી તેની પાસે જઈ એના ગલા પર હાથ ફેરવતાં ઊભા રહ્યા. મા વગરની એ મોટી કરેલી વાછડી દીપા શેઠના મોં સામે પોતાનું ખજવાળાતું માથું ઊંચું કરતી હતી ત્યારે એને પશુ-દૃષ્ટિ આ માનવીની આમંખોનાં પાણી જોઈ શકતી હતી કે કેમ તે ચોક્કસ ન કહી શકાય એવી વાત છે, કેમ કે અમે પશુ-સંસારના પૂરા અનુભવી નથી.

છેલ્લા ઘણા મહિનાઓથી ચૂલે બેસવાના અનેક દિવસ દીપચંદ શેઠને ભાગે આવી રહ્યા હતા. મુંબઈ ગયા પૂર્વે, બેશક, ચૂલે બેઠાં બેઠાં એણે પોતાનો છુટકારો કરવા આવનારી પુત્રવધુની વારંવાર કલ્પનાઓ કરી હતી, માંદી પત્નીને પોતે રાંધતા રાંધતા કહેતા પણ ખરા કે, " આ ગામઠી છાણાંનો ધૂંધવાટ બાપડી વહુથી કેમ સહ્યો જાશે ! આપણે તેજપુરથી એક ગુણ કોલસાની ને એક સગડી મંગાવી રાખવી છે. આ વરસાદનો ભેજ લાગેલ છાણાંને ફૂંકવાની માથાકૂટ સુશીલાથી થાય નહીં."