પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવું ગમતું નથી. બીજા કોઇ જો બહુ બોલ બોલ કરે તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત માણસ હોય તો આપણે બેઉ શાંત સ્વભાવના ભેગા થઇને કાંઇ પણ વસ્તુનો લોહીઉકાળો કર્યા વગર નિરાંત બેસીએ બે ઘડી-બીજું શું? કોઇને કહેવાની કાંઇ જરૂર નથી. મોટાભાઇ જરા આકરા છે ખરા ને !"

પોતાને મળતા નિમંત્રણનું ખરું રહસ્ય સુખલાય પારખી ગયો હતો. એટલે 'આપણ બેઉ શાંત માણસો' એવો ઉચ્ચાર સાંભળીને એણે માંડ-માંડ હસવું ખાળી રાખ્યું; સાચું રહ્સ્ય તો એક જ હતું - કે આ બેવકૂફ માણસને પોતાની કશા જ શકરવાર વગરની વાતો સાંભળવા કોઇક સાથી જોઇએ છે. બાકી તો આવા જડ પ્રકૃતિના માણસને કોઇ સૂક્ષ્મ પ્રકારની મનોવેદના હોવાનો સંભવ નથી. મને આંહીં નોતરવામાં એનો પ્રેમભવ તે શો હોય? છતાં તે સોબતનો સહેજ ભૂખ્યો છે. "જોઇશ" કહીને એ જુદો પડ્યો.

"વાત કહું," એમ કહેતા નાના શેઠ ચારે બાજુ ચકળવકળ જોતા જોતા પાછા સુખલાલની નજીક ગયા; જઇને પૂછ્યું: "ધંધામાં કાંઇ સગવડની જરૂર છે? હોય તો કહેજો હો !"

"હો." તિરસ્કારની એક લાગણી લઇને સુખલાલ ચાલી નીકળ્યો.

પણ એ તિરસ્કારની છાશ દયાના માખણની ચીકાશ વગરની નહોતી. સુખલાલને હૈયે આટલી જિંદગીમાં કોઇને માટે જે 'બિચારો' એવો ઉદ્ગાર નહોતો ઊઠ્યો (કારણ કે એની પોતાની જ જિંદગીમાં ભરપૂર બિચારાપણું પડેલું) તે ઉદ્ગાર પહેલવહેલો આ ભૂતકાળના 'થયા હોત' તે સસરાને માટે ઊઠ્યો. પછી બીજો વિચાર એને સારી પેઠે ચીડવનારો ખડો થયો : સુશીલાના બાપની બેવકૂફીની મેં અત્યારે જે બરદાસ કરી, તેની ખબર સુશીલાને ક્યાંથી પડવાની હતી ? એણે મારા બાપા આંહીં આવ્યા ત્યારે તેમને પ્રત્યે કેવી વર્તણૂક બતાવી હશે ! એના ધરથી મારા બાપ તુચ્છકાર લઇને જ ભગ્નહ્રદયે પાછા ગયા છે, એ વાત તો નક્કી ને? એ તુચ્છકારમાં સુશીલાએ કોણ જાણે કેવોય ભાગ