પૃષ્ઠ:Vevishal.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બારી ન રહી. પેઢી પર એણે પોતે જે કામે જતા હતા તે કોઇને બતાવ્યું નહીં, છતાં એક માણસને ખુશાલભાઇની ઓરડી બતાવવા સાથે લેવો પડ્યો. તેને પણ નાના શેઠે સૂચના આપી: "કોઇને કહેવાની જરૂર નથી."

લગ્ન કે મિજબાની-ઉજાણીમાં નોતરાં વિનાના રહી જનાર જે સંબંધીઓ ને સ્નેહીઓ, તેઓ મૃત્યુના કે માંદગીના અવસરે તો હાજર થવાનું ચૂકે જ નહીં એવું મધ્યમ વર્ગનું અણલખ્યું બંધારણ છે. ઓચિંતી ફૂટી પડેલી શ્રીમંતાઇના ઘન અંધકાર વચ્ચે ઝળહળી ઊઠેલા આ વીજળી જેવા પ્રસંગે સુશીલાના બાપને પોતાનાં છતાં પોતાથી અદૃશ્ય બનેલાં સગાંના સમૂહનું દર્શન કરાવ્યું. ધોળાં ફૂલ કપડાંવાળો પોતે આ સમૂહમાં જુદો તરી નીકળતો હતો, છતાં એ સમૂહે એના જુદાપણા પ્રત્યે આંગળી ન ચીંધી. ગળામાં સોનાનો છેડો ને કાંડે ઘડિયાળનો સુવર્ણપટો એને શરમાવવા લાગ્યાં, ને એને ભાન થયું કે પોતાને આવા શોકના પ્રસંગે બેસતાં, મોં પર છાજતો ભાવ ધારણ કરતાં કે ખરખરો કરતાં આવડતું નથી. જ્યાં અફસોસ બતાવવો ઘટે ત્યાં તે હસતો હતો.

ખુશાલભાઇએ એને ધીરે ધીરે ફોડ પાડ્યો : "માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિતું થઇ ગયું. કાંઇ વધુ પડતા હરખની લાગણીનું છાતી માથે દબાણ આવ્યું."

"હરખની લાગણી ?" નાના શેઠે વિચિત્ર વાત સાંભળી.

"થાય જ ને! સુશીલાનું ત્યાં જવું સાવ અણધાર્યું થયું ખરું ને?"

નાના શેઠ તો આભા જ બન્યા. એને કાંઇ ખબર નહીં હોય એવા કશા જ ખ્યાલ વિના ખુશાલભાઇએ વિશેષ તારીફ આદરી:

"ઘણા લાંબા કાળની ઝંખના : ક્યારે લગન થાય, ક્યારે વિવા થાય : એમાં ઓચિંતાનાં જ જઇને ઊભાં રહ્યાં, ને ગયાં તે ભેગાં જ ઘરમાં એની ડાહ્યપ ને એની માયા-મમતા પથરાઇ વળી. ઇ હરખના આવેશમાં મારા ફૈબાનું કાંકણ જેવું હૈયું તૂટી ગયું."

ખુશાલને મૃત્યુના ખરા કારણની ખબર નહોતી. દીપા શેઠે એનો