પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંહીં ખુશાલને ફક્ત બે જોરદાર બગાસાં જ ખાવાની જરૂર પડી. અંદરના દીવાનખાનામાં બે જણા વચ્ચે ધીમો વાર્તાલાપ ચાલતો હતો. તે વાર્તાલાપને એકદમ થંભવું પડ્યું. ચંપક શેઠ બહારના દીવાનખાનામાં અવ્યા, ને એને પોતાના કાળ જેવો આ હનુમાનગલીનો દાદો ખુશાલ દેખાયો.

"જે જે ચંપકભાઈ !"

"તમે અત્યારે કેમ આવ્યા ? તમે પુછાવ્યા સિવાય કેમ ચાલ્યા આવો છો, ભૈ ? એલા રામા, આવનારને બારણે જ કેમ કહી દેતો નથી, નાલાયક ?--અત્યારે તો જાવ, ભઈ, હું કામમાં છું."

આ માણસમાં કશો જ પલટો થયો નથી એ ખુશાલને તરત સમજાયું.

"વળી પાછા તમે ઉતાવળા થયા કે ચંપક શેઠ ?" ખુશાલે ઠાવકે મોંએ કહ્યું, "આપણી તે દીની કામગરી અધૂરી અહી છે તે તો યાદ કરો !"

"હું જાણું છું, તમે ઘરમાંથી એમ નહિં નીકળો." એ શબ્દો સાથે ડોળા ફાડી ચંપક શેઠ ટેલિફોન પર જવા લાગ્યા, કે તરત જ ખુશાલે ઊઠીને એના હાથનું કાંડું પોતાના પંજામાં લીધું, ને હસતાં હસતાં તેણે કહ્યું : 'બેસો, બેસો તો ખરા, ભલા માણસ !" એ કાંડા પર ખુશાલની એક આંગળી કોઈ એક એવે ચોક્કસ સ્થાને દબાણ દઈ રહી હતી કે કશી જ ધમાચક્કડ વગર આંખો ઊંચી ચડાવીને, મંત્રવશ બનેલા માણસ જેવા ચંપક શેઠ પોતાનો ખિજવાટ છોડીને ખુશાલની બાજુમાં બેસી ગયા.

કુદરતે માણસના શરીરમાં એક ગુપ્ત રચના કરી છે. કદાવર કાયાઓને પણ મલોખાં જેવી કરી નાખનાર કેટલીક ચાંપો અમુક અમુક માર્મિક જગ્યાઓએ જ કુદરતે છુપાવેલ છે. ખુશાલભાઈ એ મર્મસ્થાનોનો પૂરો જ્ઞાતા હતો. હાથી જેવા પુરુષોને મીણની પૂતળી જેવા બનાવી દેવા માટે સિંહ-થાપાની કશી જ જરૂર નથી હોતી-- જરૂર છે ફક્ત ચાંપ દબાવવાની જગ્યા જાણી લેવાની.