પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુશીલાનો શોકરસ હાસ્યરસમાં ફેરવાઈ ગયો. કોઈક દિવસ ખીજવવા હશે તો ઢેડગરોળી મદદગાર થઈ પડશે, એવા ટીખળી વિચારે એ અંદર ચાલી ગઈ.

તે વખતે મોટરગાડીએ ફરી પાછા ગામપાદરના મોરલા ચમકાવ્યા, ભેંસો ભડકાવી, લોકોને સડપ દેતા ઉભા કરી સલામો ભરવી ને ફકફકતા પેટ્રોલને ધુમાડે નાનકડું ગામ ગંધવી નાખ્યું.

સાતેક શેઠિયા મહેમાનો ખડકીમાં આવ્યા. તેમના એકનો સાદ સારી પેઠે નરવો હતો. ચંપક શેઠનું મકાન ગજવી મૂક્યું.

તેજપુર શાખાના મહેતાજી મીઠાઈના કરંડિયા ઉતરાવી અંદર આવ્યા. રસોડે પહોંચીને ભાભુની પાસે વધામણી ખાધી : "ખરું ડા'પણનું કામ કર્યું છે, હો ઘેલી'બેન ! બદલ્યા વગર છૂટકો જ નો'તો. રસ્તે દીપા શેઠનેય શેઠિયા મળતા આવ્યા. એણેય, બસ, એ જ કહ્યું કે દીકરીનું મન હોય તેમ જ કરી આપે નાત, મારે કન્યાની મરજી વિરૂધ્ધ કશોય દાવો કરવો નથી. સારું ! સારું ! ઘા ભેળો ઘસરકો ને વેશવાળ ભેળાં વિવા : પતાવી જ નાખો બે'નને કહું કે."

"ભેળાભેળું જ ઉકેલી દેવું છે ને, ભાઈ ! આજ જ પતાવી લેવું છે. બધી જ સરખાઈ થઇ ગઈ છે આજ તો !"

એમ બોલતે બોલતે ભાભુ સુશીલાને વધુ ને વધુ ફફડાવતાં ગયાં. મીઠાઈના કરંડિયા ખોલીને એણે અક્કેક બટકું ચાખવા માંડ્યું. એના બચકારા સુશીલાને બરછીના ઘા સમા લાગ્યા. એ રસોઈની ધમાલ કરતી કરતી છણકાતી હોવાનો ભાભુને ભાસ આવ્યો. દાળમાં કડછી હલાવતી હલાવતી સુશીલા ખીજે બળતી બળતી કડછી પછાડતી હતી. ભજિયાંના લોટનો ડબો લેતા એણે લોટ ઢોળ્યો પણ ખરો.

"આ લે તો, ગગી ! આંહીં આવ તો ! " ભાભુએ મીઠાઈ ખાતા ખાતા સુશીલાને બોલાવી.

"આંહીં ચૂલો બળે છે. શું કામ છે ?"

"આ ચાખ તો ખરી ! આનો સ્વાદ તો જો, ગગી !" ભાભુના એ