પૃષ્ઠ:Vevishal.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કેમ સુશીલાબહેન, હવે પિરસાવો ઝટ, બેટા! વિજયચંદ્ર આવી ગયા છે."

જવાબ આપ્યા વગર સુશીલા તો સામી બાજુના સ્ત્રીઓવાળા ઓરડામાં ચાલી ગઇ. પણ મોટા શેઠે આગળ વધી "કાં મા'રાજ, પીરસો હવે." એમ કહ્યું ત્યારે ત્યાંથી સુખલાલે જ જવાબ આપ્યોઃ

"હા જી, હું બોલાવું છું મહારાજને."

સુખલાલ એટલું કહીને હાંફળોફાંફળો તળાવ પર દોડ્યો. એને દેખીને મોટા શેઠને ખાઇ ગઇ. એ ગોલો સુશીલાને મળવા જ શું આંહીં પેસી રહ્યો હતો? સુશીલાને શું એણે જ છૂપી ધાકધમકી મોકલીને તેડાવી હશે? સુશીલાનું મોં સૂણેલું કેમ હતું? એ તીખો આદમી સબૂરી ન પકડી શકયો. જરૂર પડે તો આખી ઉજાણી ઉપર ધૂળ વાળી દેવા એ અધીર બન્યો.

સુખલાલની કશી ગણના જ કર્યા વગર એ સ્ત્રીઓના ઓરડા તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો ને એણે પોલીસ અધિકારીની ઢબે બાતમી મેળવવા માંડી.

"શું હતું સુશીલાને? ત્યાં રસોડે જઇને કેમ ઊભી હતી? કોણે ત્યાં તેડાવી હતી? કોણે એને કડવું વેણ કહ્યું છે? કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું નહિં ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઇ સત્તાને હિસાબે એણે સુશીલાને ત્યાં બોલાવી હતી? ને એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનોય અધિકાર નથી, ત્યાં શું એ છોકરી ઉપર સત્તા ભોગવતો થઇ ગયો? કુત્તો! મવાલી! ગઠીચોર!

"ચૂપ રહો, અરે ધીરા રહો ભલા થઇને," મોટા શેઠનાં પત્નીએ ધીરે સાદે ધણીને ઠપકો આપ્યો. "કાંઇક સમજણ તો પડવા દો."

"સમજણ શી?" અંદરથી સુશીલાની બા લાજને છતે ઘૂમટે જેઠનો પક્ષ ખેંચતાં બોલી ઊઠ્યા."છોકરી હીબકેહીબકાં ભરી રહી છે, ભાભીજી! તપાસ તો કરો, કોણે એને ધમકાવી છે?"

"બા-બા-બા પણ તમે ચૂપ - છતાં - તમને કોણ -"