પૃષ્ઠ:Vevishal.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહી હતી?એને આવેલી કલ્પનાઓ કારમી હતી. રસોડામાં એની અને સુશીલાને વચ્ચે છેલ્લી વાત આ હતીઃ

"શું કામ બધાં તોડાવવાં ફર્યાં છે? મેં ક્યાં કોઇને કહ્યું છે? મને ક્યાં કોઇએ પૂછ્યું છે? તમે જે કામના ઢસરડા કરો છો તેની મને ખબર છે, મારું મન બળે છે. તમારા શરીરને સાચવતા શા માટે નથી?"

આટલું કહેતી કહેતી એ ઓરડામાં ઊભી ઊભી રડી કે તરત જ મોટા શેઠ આવ્યા હતા. પણ એણે અંદર જઇને કોણ જાણે શોય ખુલાસો કર્યો હશે?

છોકરીઓનો શો વિશ્વાસ?


4

વિજયચંદ્રનું વ્યક્તિત્વ

પંગત ગોઠવાતી હતી, ત્યારે મોટા શેઠે પ્રાણજીવનને બોલાવી ધીમેથી કહ્યું : "પ્રાણિયા એ રઢિયાળાને મારી સામે બેસવા દઈશ મા!"

"એ હો. ફિકર નહીં."

પછી પ્રાણજીવને જે જુક્તિથી સુખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો, તે જુક્તિ જોઈને મોટા શેઠને ખાતારી થઈ ગઈ કે કોઈક દિવસ આ ગુંડો પ્રાણિયો મારી પેઢીનો ભાગીદાર બનશે. દરમ્યાન પ્રાણજીવને સુખલાલની બાજુમાં બેસીને પડખામાં ઘુસ્તા ચડાવવા માંડ્યા હતા. મારતો મારતો ગણગણ સ્વરે બોલતો હતો : " પરાક્રમ કર્યું લાગે છે ! સોગંદ પાળ્યા નહીં ને ? ઉતાવળે બાફી નાખ્યું ને? હવે લબાચા બાંધો રાજ, અચકો મચકો કારેલી ! "

તે દરમ્યાન તો પેલા માનવંત યુવાન પરોણા વિજયચંદ્રે સૌની આંખોને રોકી લીધી. વિજયચંદ્રે પોતાનો હાફકોટ અને બદામી રેશમી