પૃષ્ઠ:Vevishal.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહીં હોય? એ પરણેલો નહીં હોય ? એને કોઈ સગાં લાગતાં નથી.

નજીકનો પાડોશી દરદી એક આધેડ પુરુષ હતો. એને શી બિમારી હતી તે જાણવું કઠિન હતું, એ પોતાને જરા પડખું ફેરવવું હોય તો 'નર્સ નર્સ !' એવા સાદ પાડતો. નર્સ આવીને એનું શરીર ઝાલીને બેઠો કરે ત્યારે એ નર્સને ભાંગ્યા તૂટ્યા હિંદીમાં , અંગ્રેજીમાં, મરાઠીમાં પ્રશ્નો કર્યા જ કરતો : "તમે પરણ્યા કે નહીં ? ગયા વખતે હું આવેલો ત્યારે પણ તમે કુંવારા જ હતાં. તમે આખી જિંદગી આ જ ધંધો કર્યા કરશો ? પરણી કેમ નથી લેતાં ? મને જરા ટેકો આપીને બહાર બેસારો ને!"

વસ્તુતઃ ટેકો આપવાની કશી જરૂર નહોતી. બપોરે એની પત્ની આવતી ત્યારે પત્નીનો ટેકો એ ક્યાં માંગતો હતો.

નર્સ એને દાઝે બળતી કહેતી : " કાકા, તમને કશું જ દરદ નથી છતાં શું વારે વારે દવાખાનામાં આવીને રહેતા હશો ?"

"પણ તમે મને કાકા શા માટે કહો છો?"

"કેમ, તમે બુઢ્ઢા છો માટે કહું છું."

સુખલાલને વિસ્મય થયું કે આ પૂરી ઉંમરનો માણસ પોતાને કાકા તરીકે સંબોધાતો જોવામાં શા માટે કચવાટ અનુભવતો હશે ? કે શું એ બહુ નિરાભિમાની હશે?

નર્સનું નામ લીના હતું. 'લી...ના' એવા પ્રલંબિત સ્વરે જ્યારે એને બીજી નર્સ બોલાવતી ત્યારે સુખલાલને બીજું વિસ્મય આ થતું કે જેમાંથી આપો આપ ટહુકાર ઊઠે એવાં નામો જગત પર હોતાં હશે?

નર્સ સુખલાલનું વિશેષ ધ્યાન રાખતી, એ આ પાડોશી બુઢ્ઢાને ગમતું નહોતું. એ સુખલાલને કોઈ કોઈ વાર કહી પણ નાખતો કે, આ નર્સ લોકોને બહુ બોલાવ બોલાવ ન કરતા હો કે! એ તો આબરૂ પાડી નાખે અને બીક દેખાડી પૈસા કઢાવી લ્યે તેવી મહાખેપાન હોય છે.

આવી શિખામણ મળ્યા પછી સુખલાલ વિશેષ સંકોચભર્યું વર્તન રાખતો, પરંતુ તેથી તો ઊલટાની લીના એની વિશેષ કાળજીભરી સારવાર કરતી. દૂધ ચા પીવાને વખતે પણ પોતે કોણ જાણે ક્યાંથી દોડતી હાજર