પૃષ્ઠ:Vevishal.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થઈ જતી, દમદાટી દઈ દઈને પૂરો પ્યાલો પાતી, અને વારંવાર શરીર પર હાથ ફેરવી કહેતી ;

"સ્માર્ટી, ઓ સ્માર્ટી ! તું અક્કેક ઈંડું રોજ લેતો જઈશ ? તું બહુ નબળો છે. ઈંડું તને બહુ ફાયદો કરશે. તારા શરીરમાં લોહી ભરાઈ જશે, સ્માર્ટી !"

સુખલાલ ઈંડાની વાત સાંભળીને પડ્યો પડ્યો શરમાઈને સ્મિત કરતો. કોણ જાણે કેમ પણ એનું ધૈર્ય ઝરતું સ્મિત એના દૂબળા ફિક્કા મોં પર એવી કોઈક માધુરી ભભરાવી દેતું કે લીના એના આવા સ્મિતની વારંવાર ઉમેદ રાખીને ઈંડાની વાત કાઢ્યા વગર રહેતી નહીં.

"તમે મને 'સ્માર્ટી' કેમ કહો છો ?" એણે એક વાર પૂછ્યું.

"તને એકને જ નહીં, મારા જે જે દરદીઓ બીમારીમાં પણ શાંતિમય રહીને મોં મલકાવે તે બધાને હું 'સ્માર્ટી' કહું છું. ન કહું ? તને નથી ગમતું ? 'સ્માર્ટી' એટલે સુઘડ અને ચપળ."

સુખલાલ કશો જવાબ દેતો નહીં, પણ એને અજાયબી થતી કે પેઢી પર 'માંદલો' અને 'દગડો' શબ્દે કૂટી મારેલાને આ છોકરી 'ચપળ' કેમ કહી રહી છે!

પણ નર્સ જરી આઘી પાછી થતી કે તરત પડોશી 'કાકો' એને ચેતવતો : "ઈંડાને ચાળે ચડાવે નહીં તો મને કહેજે ને!"

લીના ત્રીસેક વર્ષની લાગે. હાસ્યની મૂર્તિ હતી. બોલવા કરતાં હસવાનું પ્રમાણ વિશેષ રાખતી. સુખલાલ એને પોતાની કલ્પનાઓમાં ઘણી ઘણી વાર સુશીલા જોડે સરખાવતો. એક જ વાર જોયેલું સુશીલાનું મોં એને પૂરેપૂરું તો યાદ નહોતું રહ્યું, પણ સ્મૃતિમાં એનો ચહેરોમોરો બંધબેસતો કરવામાં જે કાંઈ તૃટિ રહેતી તે પોતે આ લીનાના ચહેરાની મુદ્રા લઈને લપેડા લગાવી પૂર્ણ કરી લેતો. આવી અણઘડ ભેળસેળ કરવા જતાં એને બે માંથી એકે ય વદન સુસ્પષ્ટ થતું ન હતું. થોડાક દિવસો વીતતાં તો એણે લીનાના પ્રત્યક્ષ મોંને પણ પોતાની કલ્પનામાં ભારી વિચિત્ર ઘાટ આપી દીધો.