પૃષ્ઠ:Vevishal.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એક મિનિટ સબૂર!" બહાર આવેલી લીનાનો સ્વર આવ્યો: "મને માફ કરજો, મેં તમને તે દિવસ એની સાથે બોલવા જ નહોતું દીધું. મને એના પર કંઇક ફીલિંગ... ફીલિંગ" કરતી એ પાછી પેસી ગઇ. એની પીઠ પર પણ જાણે કોઇ પ્રચંડ આવેગ છલકતો હતો.

"ક્યાં ગયા હશે? દેશમાં તો નહીં ચાલ્યા ગયા હોય? બચ્ચાડા જીવ એમ જ કાં ઊપડી ગયા? નરસ બચ્ચાડી દયાળુ લાગી. એટલી તે શી ઊલટથી વાત કરતી'તી? ઢેલ દાણા ચણે એમ તો એ વેણ બોલતી'તી. વિચાર કરવાય થોભવું નો'તું પડતું. તેને એ ખંભે ને માથે અડતી'તી, ત્યારે મને કાંઇનું કાંઇ થ ઇ જાતું'તું."

ચાલતી મોટરે ભાભુના આવા બોલ ઝીલતી સુશીલાના મનમાં, માળામાં માદા પંખી પેસી જાય તેમ મૌન પેસી ગયું હતું. માળામાં લપાયેલી માદાને કાને નમતી સંધ્યાની તરુ-ડાળે પેસીને ગાતા નર પક્ષીની કવિતા જે રીતે સરતી હોય છે તેવી જ રીતે સુશીલાના અંતર પર સુખલાલની યાદ સરતી હતી.


12

ખુશાલભાઈની ખોપરી

હનુમાનગલીના એક અંધારખૂણિયા મહોલ્લાની ચારેક સીડીનાં પગથિયાં તે વખતે હજુ પૂરાં જંપ્યાં નહોતાં. એ પગથિયાં પર સુખલાલને બબે કાઠિયાવાડી વણિક જુવાનોની જોડેલી આંકડા ભીડેલ હાથ પર બેસારીને ઊંચકી ગઈ હતી. એ જુવાનોની અક્કેક જુદી જુદી ઓરડીઓ ચોથા માળ પર હતી; પણ તાબડતોબ એક ઓરડીમાંના એક જુવાને પોતાના કુટુંબને ફેરવી લઈ બીજા જુવાનની જોડે રહેવાનું રાખી દીધું. સુખલાલને માટે એક ઓરડી અલાયદી બની જતાં વાર ન લાગી. સામાન ફેરવતા ફેરવતા