પૃષ્ઠ:Vevishal.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એટલે કે સુવાવડ કેમ વધારવી, કેમ ઘટાડવી, દીકરો કેમ મેળવી શકાય ને દીકરી કેમ જણી શકાય, તેના મોટા જાણકાર છે. ઠેઠ જર્મની-અમેરિકાથી કાગળિયાં મંગાવે છે. ખાન‌ગી સલાહો બહુ આપે છે. પોતે ડૉક્ટર છે."

"પરીક્ષા આપી હશે."

"ના. જર્મનીથી ડિગ્રી ટપાલમાં આવી છે."

"ઠીક ભાઈ! સારી વાત. સુખી થાવ !" સુખલાલના પિતાએ ભોળાભાવે બધુ સાંભળી લીધું. એને જાણ નહોતી કે એકઠા થયેલા વીશેય જણા ચુપચાપ થઈ જઈને આંખો આડી કાં ચોપડી, કાં છાપું, કાં પંખો ને કાં પોતાની ટોપી રાખીને બેઠેલ છે. ખુશાલભાઈ હવે આગળ કાંઈક વધુ ઓળખાણ આપવાનો જ છે, એ વાટ જોઈ સૌ તલપી રહ્યા હતા. ડૉક્ટર તરીકે ઓળખાવેલા યુવાને ઊઠવા ઉતાવળ બતાવી એટલે ખુશાલચંદે કહ્યું : "સુખાનું શરીર તો તપાસતા જાવ !" ને પછી સુખલાલના પિતા તરફ ફરીને કહ્યું :

"ફુઆ, કાંઇ સારું ઠેકાણું છે ધ્યાનમાં?"

"શેનું?"

"કોઇ રાજકોટ, જેતપુર કે જામનગરની કન્યા. છ-સાત ચોપડી અંગ્રેજી ભણેલી હોવી જોઇએ. રૂપાળી ગોરી મઢમ જેવી જોવે. સાડીને પિન ભરાવતી હોવી જોઇએ. પોલકાની બાંય ખંભાથી હેઠી તો નહીં ચાલે. મહેમાનોની જોડે બેસીને આજે કયું સિનેમા-પિક્ચર સારું છે તે કહી શકે તેવી."

એ અવાજમાં વિનોદનો રણકાર હતો અને કરવતનો કરડાટ હતો. દાક્તર જુવાન 'હવે ભઈ, બસ!' કહેતા કહેતા પોતાની તમામ છટા સાથે સુખલાલની આંખો ફરતાં કાળા કૂંડાળાં, જીભ, નખની ઝાંખપ વગરે ખુરશી પર બેઠાબેઠા જોતા હતા, કેમ કે તેણે પાટલૂન પહેર્યું હતું.

"કોના માટે કન્યાનું પૂછો છો ભાઈ?" પરોણાએ પૂછ્યું.