પૃષ્ઠ:Vevishal.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાંચી હતી.

"ઈ વળી કોણ બે જણીયું મોટરવાળીયું?" ખુશાલની પણ બત્રીશી ખડખડ થઈ.

"નરસબાઈનો તો ત્યારે આજ નહીં જ મળાય ને?" પિતાએ દરવાનને પૂછ્યું. દરવાને અશક્યતા બતાવી.

"ફિકર નહીં, હાલો હાઉસ સર્જન પાસે," કહીને ખુશાલે બેઉને ઉપાડ્યા. અનેક રોગીઓને વારંવાર મૂકવા-લેવા આવતો ખુશાલ અજાણ્યો નહોતો. હાઉસ-સર્જને એને કહ્યું : "આ ભાઈને કશું જ રોગનું ચિહ્ન નથી રહ્યું. એને છૂટથી કામ કરાવો."

"પણ નરસ..." સુખલાલના પિતાના એ શબ્દો સામે હાઉસ-સર્જને હસીને કહ્યું : "અમારી લીના ને ? એને બિચારીને એવી ટેવ જ છે. એના કહેવા પર જશો નહીં. એ તો અમને સૌને પીટે છે."

પિતા હારેલા માણસ જેવો ખાસિયાણો પડી ગયો. એણે છેલ્લું તરણું ઝાલ્યું. દાક્તરને પૂછ્યું, " એને હવાફેરની જરૂર તો ખરી ને?"

"એને જરૂર છે એક જ: મન મજામાં રહે એવા કોઈ કામે લગાડી દો."

પિતાનો વિશેષ પરાજય થયો. ખુશાલે, દાકતરે અને દીકરાએ ત્રણેએ પોતાનો ગંભીર ગુનો કર્યો હોય તેવા દુભાયેલા ચહેરે એણે દવાખાનું છોડ્યું.

14

બંગલી પરની વાતો

"તમે ઘેર જાવ, હું હમણાં જરા બજારે જઈને આવું છું." એમ કહી એ છૂટા પડ્યા. એ વખતે સુખલાલના પિતાનો હાથ એના ડગલાના