પૃષ્ઠ:Vevishal.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પચે નહીં. બીજો કોઈ વાંધો થોડો છે, બાપુ?"

આમ છેવટ સુધી તેની વાણી એક પણ વાંકાચૂંકા કટાક્ષ વગરની નિર્મળ રહી. એને વધુ આગ્રહ કર્યા વગર મોટા શેઠ તો પાછા અડેડાટ ઉપર ચડી ગયા, પણ શૉફરની નજર સુશીલાના એ ચાલ્યા જતા સસરાની પીઠ પરથી ખસી ન શકી. અનેક માણસોની પીઠો એમના ચહેરાઓ કરતાં વધુ આકર્ષક હોય છે. મુખાકૃતિ કરતાં બરડો જ્યારે હ્રદયની આરસી બને છે, ત્યારે એનું દર્શન બેહદ વેદનાયુક્ત થાય છે. કોણ જાણે કેમ પણ ચાલ્યા જતા એ મહેમાનની પીઠ દેખાતી બંધ થયા પછી તરત જ શૉફર મોટરની અંદર બેસીને ઉત્તર હિંદના કોઈ ગામડામાં જીવતા પોતાના બુઢ્ઢા બાપને એક પ્તતું લખવા બેસી ગયો.

જમવા બેસતી ત્રણે સ્ત્રીઓને કાને મોટા શેઠના શયનખંડમાં તેજુરી ખૂલવાનો ને પછી બીડવાનો અવાજ આવ્યો. ત્રણે સ્ત્રીઓએ ચૂપચાપ જમી લીધું. ત્રણેનું મૌન જુદાંજુદાં કારણોને આભારી હતું : સુશીલાનું મન કોઈક રહસ્ય ઉકેલવામાં પડ્યું હતું. એની બાને વેવાઈ અને જેઠ વચ્ચે વળી પાછું શું સમાધાન થઈ ગયું તેની વિસામણ હતી; એના હ્રદયમાં સળવળતો પેલા' પીટ્યા' શબ્દનો કીડો એને જંપવા દેતો નહોતો. ને ભાભુના મૌનમાં સસ્પષ્ટ અને ઠગાયેલી કરુણ પ્રસન્નતા હતી.

"કાં જમી રહ્યાં ?" મોટા શેઠનો ટૌકો આવ્યો. કદી નહીં ને આજ! કેટલી પ્રસન્નતા !

ભાભુએ જવાબ દીધો :" જમીએ છીએ ! કેમ?"

"માળાં ત્રણેય ભારી ખાધોડકાં!" કદી નહીં ને આજે ઘરના સ્વામીની આવી વિનોદ-ઊર્મિ!

"સુશીલા. મોટા બાપુજીને કહે ભાભુ નહીં, મારી બા જ ખાધોડકી છે." સુશીલાની બાએ, જેઠ સાંભળે તેવા સ્પષ્ટ શબ્દે, છતાં લાજમરજાદથી કહ્યું.

સુશીલાને એ શબ્દો ફરી બોલવાની ઇચ્છાય નહોતી, જરૂર પણ