પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ચપલા ચરિત્ર ચંદ્રિકા

મહાધને તેને પોતાની દુર્દશાનો ઇત્થંભૂતં વૃત્તાંત કહી સંભળાવ્યો અને કહ્યું કે-“મારી પાસે આ મહા ગુણવાન અને ઉપકારક શ્વાન વિના બીજી કોઈ પણ વસ્તુ નથી, એટલા માટે એ શ્વાનને આ૫ની પાસે રાખો અને મને એક હજાર રૂપિયા ઉછીના આપો. એ રકમ એક વર્ષમાં આપને વ્યાજ સુદ્ધાં ભરી આપીને હું મારા શ્વાનને લઈ જઈશ. જો એટલા અવધિમાં રોગ અથવા એવા જ કોઈ આકસ્મિક કારણથી એનું મરણ થઈ જાય, તે તેની જવાબદારી તમારા માથા ૫ર નથી.” આ વાર્ત્તા યમુનાદાસે માન્ય કરી અને તેથી તે પ્રમાણેનો દસ્તાવેજ લખી આપી રૂપિયા લઈને નિર્ધન થએલો મહાધન પોતાને ગામ પાછો ચાલ્યો ગયો.

શ્વાનને રાખનાર વ્યાપારી યમુનાદાસ કેટલાક દિવસ પછી પોતાને ત્યાંનો માલ નૈાકામાં ભરી બીજા દેશમાં તે વેચવા જવાની તૈયારી કરવા લાગ્યો. જતી વેળાએ તે શ્વાનને ઘરમાં રાખી પોતાના દાશ અને દાસીને પાસે બોલાવીને તેણે કહ્યું કે;–“ઘરને છોડી બહાર ભટકવા જશો નહિ અને આ શ્વાનની સારી સંભાળ રાખજો.” ત્યાર પછી તે શ્વાનના ખાનપાનની વ્યવસ્થા કરી આપીને તે પરદેશમાં ચાલ્યો ગયો.

લાંબા વખત સુધી પતિ પાછો આવ્યો નહિ એટલે મદનવિકાર અસહ્ય થવાથી તેની સ્ત્રીએ એક સુંદર અને હૃષ્ટપુષ્ટ પુરુષસાથે પ્રેમસંબંધ કર્યો અને તેને નિત્ય પોતાના આવાસમાં બોલાવી તેની સાથે તે યથેચ્છ કામક્રીડા કરવા લાગી. આ ચરિત્ર પેલા શ્વાનના જોવામાં આવતાં તે સ્ત્રીનો જાર જ્યારે પણ ઘરમાં આવતો હતો ત્યારે તે બહુ જ મોટા સ્વરથી ભસ્યા કરતો હતો. પણ ઘરમાંની દાસી કે શેઠાણી પોતે તેને ધમકાવતી એટલે લાચારીએ તે ભસતો બંધ થતો હતો. આવો પ્રકાર નિત્ય ચાલવાથી એકવાર તે શ્વાનને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો કે, તે એકદમ તે સ્ત્રીના જારના શરીર પર ધસી ગયો અને ઉછળીને તેના ગળામાં એવી તો દાઢ બેસાડી દીધી કે તેના પરિણામે તે કામી પુરુષ તત્કાળ મરણને શરણ થઈ ગયો.