પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
ચપલા ચરિત્ર ચંદ્રિકા


સભામાં લાવી પોતાની સ્ત્રી થવાનું કહ્યું, પણ તેણે તે વાર્તા અમાન્ય કરવાથી દુઃશાસન દ્વારા તેનાં વસ્ત્રો ખેંચાવી તેની વિડંબનાનો ઉદ્યોગ આદર્યો. પરંતુ ઇશ્વરકૃપાથી તેના તે સર્વ ઉદ્યોગો - પ્રયત્નો વ્યર્થ થયા અને કુરુક્ષેત્રમાં પોતાના બંધુ, અાપ્ત, સુહૃદ્ અને મિત્રોસહિત યુદ્ધ કરીને અંતે હસ્તિનાપુર જેવા રાજ્યથી અને પોતાના પ્રાણથી પણ તે વંચિત થઈ ગયો.

(૧૧) તેજ પ્રમાણે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા તે વેળાએ વિરાટ રાજાનો શ્યાલક કીચક દ્રોપદીમાં કામાસક્ત થવાથી નૃત્યશાળામાં ભીમની ગદાથી નરકમાં વિદાય થઈ ગયો.

(૧૨) દ્રોપદીના મનમાં કર્ણ વિશે જરાક દુર્ભાવના આવતાં તેના અલૌકિક પાતિવ્રત્યને સદાને માટે દૂષણ લાગી ગયું.

(૧૩) શૃંગીઋષિએ જન્મથી કદાપિ સ્ત્રીને જોઈ જ નહોતી તથાપિ તેને પણ રંભા આદિ અપ્સરાઓ ભ્રમાવીને પુત્રકામેષ્ટિ યજ્ઞ માટે દશરથ રાજાને ત્યાં લઈ આવી હતી.

(૧૪) પલાશ નામક ઋષિ કામાતુર થવાથી અરવલીના હસ્તે માર્યો ગયો હતો. મહિરાવણની સ્ત્રી ચંદ્રપ્રભા રામચંદ્રમાં વિષયાસક્ત થઈ અને તેથી તેણે પોતાના પતિના મરણનો ભેદ તેને જણાવી તેના હાથે પતિનો ઘાત કરાવી પોતાના હાથે જ પોતાને વૈધવ્ય દશામાં લાવી મૂકી.

(૧૫) ભૃગુઋષિની કન્યા દેવયાની વિષયાંધ થવાથી પોતે વિપ્રદુહિતા હોવા છતાં ગુરુપુત્ર કચની પરમ આયાસથી પ્રાપ્ત કરેલી મૃત સંજીવની વિદ્યાને શાપના પ્રભાવથી નિષ્ફળ કરી પોતે ક્ષત્રિયની પત્ની થઈ હતી.

(૧૬) પરશુરામની માતા રેણુકા જલચરોની ક્રીડાને જોઈને કામુક થઈ હતી, એ વાર્તા જમદગ્નિએ સાંભળતાં પરશુરામના હસ્તે તેનો ઘાત કરાવી નાખ્યો હતો.

તેમજ કથાકલ્પતરુમાંથી હું એક બીજી વાર્તા કહી સંભળાવું છું અને તે આ પ્રમાણે છે:-