પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ચપલા ચરિત્ર ચંદ્રિકા

હતા. એ પ્રમાણે વ્યભિચારની મહા ભયાનક શિક્ષાઓ થતી હોવાથી કેટલાંક સ્ત્રીપુરૂષો એવા પ્રસંગે ભયથી વિષપ્રાશન કરીને પોતપોતાના હાથે જ મરી જતાં હતાં. હાલમાં ઈરાન દેશમાં એવી રૂઢી છે કે, વ્યભિચારિણી સ્ત્રીની સુરવાલમાં એકાદ બે બીલાડાને પૂરી સૂરવાલનાં બન્ને મોઢાંને બંધ કરી દે છે અને પછી બહારથી બીલાડાને મારવા માંડે છે. એટલે તેઓ તે સ્ત્રીના શરીરના કોમળ ભાગને વિદારીને તત્કાળ તેના પ્રાણનો નાશ કરી નાખે છે. સુંદરી ! અંગ્રેજોના રાજ્યમાં સરકાર એવી ઘોર શિક્ષા આપતી નથી; તથાપિ એવી વ્યભિચારિણી સ્ત્રીઓના સંબંધીજનો બીજાના જાણવામાં ન આવે તેવી રીતે તેમના પર અસહ્ય સંકટોની વૃષ્ટિ વર્ષાવે છે. એટલા માટે વિષયવિશેનો તે જે હઠ પકડી રાખ્યો છે, તેને ત્યાગીને તું આપણા બંનેના પ્રાણની રક્ષા કર, કારણ કે, જેને પણ આ વ્યભિચારનો છંદ લાગી જાય છે, તેનો સંસાર પછી ધૂળમાં જ મળી જાય છે. કુબેરનો ધનભંડાર પણ આ કાર્ય માટે સંપૂર્ણ થતો નથી; જ્યારે રાંડને આપવા માટે દ્રવ્ય રહેતું નથી, ત્યારે વ્યભિચારી પુરૂષ ચોરી અને ખૂન જેવા ઘોર અપરાધ કરી કારાગૃહવાસી થાય છે કે ફાંસીને લાકડે લટકી જાય છે અથવા તો અન્ન અન્ન કરીને ભૂખમરાની હાલતમાં રસ્તામાં કે હોસ્પીટલમાં મરી જાય છે અને ઢેઢભંગીના હાથે જમીનમાં દટાય છે. જ્યાં સુધી તારૂણ્ય અને દ્રવ્ય એ બે સાધનો હોય છે, ત્યાં સુધી જ એ વિષય સુખની લાલસા રહે છે; જેમ જેમ વૃદ્ધાપકાળ આવતો જાય છે, તેમ તેમ એ મદનનો વિકાર શાંત થતો જાય છે. એવામાં જે તારુણ્યમાં ઉપદંશનો વ્યાધિ થઈ ગયો હોય, તે વૃદ્ધાવસ્થામાં મહાયાતનાએ ભેાગવીને પ્રાણ ત્યાગવા પડે છે. દ્રવ્ય, દારા, મિત્ર અને રાજ્યનો એક વાર નાશ થતાં, તે પુનરપિ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સર્વ પુરૂષાર્થના સાધનરૂપ શરીરનો નાશ થતાં તેની પાછી કદાપિ પ્રાપ્તિ થઈ શકતી નથી. વૃદ્ધાવસ્થામાં કિંવા રોગના સમયમાં આત્માને ક્લેશ અને ત્રાસ ન ભોગવવા પડે, એટલા માટે વિચારશીલ જનો દ્રવ્યનો સંચય કરે છે. શાસ્ત્રમાં