પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
વીરક્ષેત્રની સુન્દરી-૨ (સોનીની કથા)

મળી શકતો ન હોવાથી નિરુપાય થઈને જૂના દાગીનાની તોડફોડ કરી તે નિમિત્તથી તે નિત્ય તેને ઘરમાં બોલાવ્યા કરતી હતી. એક દિવસ દેવડીપર વધારે માણસો ન હતાં, માત્ર એક જ સિપાહી પહેરો ભરતો હતો, તેને પણ દાસીએ રૂપિયા આપીને તેના પૈસા લાવવાના નિમિત્તથી બહાર મોકલી દીધો. તેના જવા પછી સોનીને ઇશારો કરીને અંદર બોલાવી લીધો અને તેનો કોઈને પત્તો ન મળી શકે એટલા માટે તેને સંતાડી દીધો. તેના ખાનપાનની વ્યવસ્થા પણ તે કરતી હતી. તે સોનીના ઘરમાં તેનાં બાલબચ્ચાના પોષણ માટે જે કાંઈ પૈસો ટકો જોઈએ તે પણ દાસીના હાથે તે પોતે જ મોકલી દેતી હતી. છેવટે પાપને છુપાવવાના અનેક પ્રયત્ન કરવા છતાં પાપ છાનું ન રહ્યું તે ન જ રહ્યું. તેની દાસીના મુખથી જ એ વાતનો ગણગણાટ તેના પતિના કાનમાં પહોંચી ગયો અને તેથી શંકાશીલ થઈ ઘરમાં તપાસ કરતાં તે ચોર તરત મળી આવ્યા. એ પછી રાત્રે કોઈના પણ જાણવામાં ન આવે તેવી રીતે તમારા જેઠે બંનેનો શિરચ્છેદ કરી નાખ્યો અને તેમનાં મડદાંને પાછલા આંગણામાં જ ખાડો ખેાદીને સાથે દાટી દીધાં. બીજે દિવસે પોતાની પ્રતિષ્ઠાને જાળવવા માટે બહાર તેણે એમ જાહેર કર્યું, બાયડીને તેનાં પિયરિયામાં મોકલી છે. એવી રીતે લોકાપવાદનું નિવારણ કરીને કેટલાક દિવસ જવા દઈ લાગ જોઈને તેણે દાસીને પણ યમધામમાં પહોંચાડી દીધી. બાઈસાહેબ ! આ કુકર્મનું આવું પરિણામ થાય છે, માટે એમાં પોતાના ચિત્તને પ્રાણ જતાં પણ પરોવશો નહિ. તમારા પ્રાણનાથ મહા સ‌દ્‌ગુણશાળી અને મદનમૂર્ત્તિ હોવાથી તમે આવા માર્ગમાં પદસંચાર કરી તેમના પૂર્વજોની નિષ્કલંક કીર્તિને કલંકિત કરશો નહિ. હવે જો બીજીવાર મારી આગળ આવી વાત કાઢશો, તો હું તમારા પતિને તે કહી દઈશ. એથી થશે એમ કે, તમારી સોક્યનું સન્માન થશે અને તમારૂં નિત્ય અપમાન થયા કરશે. સ્વામીના અપમાનને સહન કરીને મરવું તેના કરતાં યોગ્ય માર્ગમાં ચાલી સદ્વર્તનથી વર્ત્તવું, એ