પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
વીરક્ષેત્રની સુન્દરી-૨

છે; જેવી રીતે પાણીમાં રહેવા છતાં કમળદળ પર પાણીનો સ્પર્શ થતો નથી, તે જ પ્રમાણે ઉપદેશોનો ચારે તરફથી એકસરખો વર્ષાવ થતો હોવા છતાં દુરાચારીના મનમાં તેનું કશું પણ પરિણામ થઇ શકતું નથી. આવો નિયમ હોવાથી હે ભદ્રે ! અત્યારે તારો આ અમૃતતુલ્ય ઉપદેશ મને તો સર્વથા પ્રાણહારક વિષ સમાન જ ભાસે છે. પછી તમે એને 'વિનાશકાળે વિપરીત બુદ્ધિ' ધારતા હો, તો પણ ભલે. અત્યારે તો મારો તેની સાથે મેળાપ કરાવીને મને જીવિતદાન આપો, નહિ તો મારા પ્રાણ આ શરીરમાં ટકી શકે એવો રંગ મને દેખાતો નથી. એ વિશે ઉદાહરણરૂપ એક કથા હું તમને કહી સંભળાવું છું તે જરા કૃપા કરી એક ચિત્ત અને એક ધ્યાનથી સાંભળશો, તો તમારો મારા પર મોટો આભાર થશે.”

“જેવી આપની ઇચ્છા !” દાસીએ અનુમતી આપી.

મેં નીચે પ્રમાણે કથાનો આરંભ કર્યો;–


બ્રહ્મકુમાર અને ચન્દ્રપ્રભાની કથા

પૂર્વે કાશ્મીર નામક નગરમાં ચંદ્રચૂડ નામનો રાજા રાજ્ય કરતો હતો, તે રાજાની એક કન્યા હતી અને તેનું નામ ચંદ્રપ્રભા હતું. એ કન્યા તરુણ થઇ હતી અને ગ્રીષ્મ તથા વસંત કાળમાં પોતાની સખીઓ સાથે પોતાના ખાસ ઉદ્યાનમાં તે ફરવા અને સૃષ્ટિ સૌન્દર્યનું અવલોકન કરવાને નીકળતી હતી. એકવાર એક તરુણ બ્રાહ્મણ પ્રવાસીએ તેના ઉદ્યાનમાં ભોજન બનાવી જમવા અને વિશ્રાંતિ લેવા માટે છાવણી નાખી. વસંત ઋતુના દિવસો હતા, એટલે તે જમીને એક વિશાળ વૃક્ષની શીતળ છાયામાં શીતળ વાયુના સ્પર્શથી નિદ્રાધીન થઈ ગયો. એટલામાં પોતાની સખીઓ સાથે ફરતી ફરતી રાજકુમારી ચંદ્રપ્રભા ત્યાં આવી લાગી, અને ત્યાં ઊભી રહી ગઇ. સખીઓના પરસ્પર વાર્તાલાપના ધ્વનિથી તે બ્રહ્મકુમારની નિદ્રા ઊડી ગઇ અને જેવી તેણે આંખો ઊઘાડી કે એક મહાસુંદર અને મનોહર નવયૌવના નારી પોતાની સામે ઊભેલી તેના જોવામાં