પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
રતિનાથની રંગભૂમિ

આવી. તેને જોતાં જ બ્રહ્મપુત્રને મૂર્છા આવી ગઇ. તે તરુણ બ્રાહ્મણ એવો તો મનોહર અને સુંદર હતો કે, તેને જોતાં રાજકુમારીના મનમાં પણ તત્કાળ મોહનો ઉદ્ભવ થવાથી તે પણ મૂર્ચ્છિત થઇને પૃથ્વીપર પછડાઇ પડી. રાજકન્યાને તો તેની સખીઓએ જલસિંચન અને વીજનવાયુથી સાવધ કરી અને ત્યારપછી તેને પાછી મહાલયમાં લઇ જવામાં આવી, પરંતુ બ્રાહ્મણપુત્રની શુશ્રુષા કરનાર કોઇ ન હોવાથી તે તો અદ્યાપિ જેમનો તેમ મૂર્ચ્છામાંજ પડ્યો હતો. એટલામાં દૈવયોગે કામરૂપદેશના શશિદેવ અને મૂળદેવ નામના બે મહાવિદ્વાન બ્રાહ્મણો ત્યાં આવી લાગ્યા. મૂળદેવ તે મૂર્ચ્છિત બ્રાહ્મણને જોઇ શશિદેવને કહેવા લાગ્યો કે, “હે શશિ ! આ મનુષ્ય અહીં આવી દશામાં કેમ પડ્યો છે વારૂ !” એટલે શશિદેવે ઉત્તર આપ્યું કે, “બંધો ! એને કોઇ મનોમોહિની કામિનીએ ભ્રૂધનુષ્યમાંથી નેત્રશરનું સંધાન કરી ઘાયલ કરી નાંખ્યો છે.” એટલે મૂળદેવ બોલ્યો કે, “આ પોતે આવો સુંદર હોવા છતાં મોહાશક્ત કેમ થયો વારૂ ? કદાચિત એને જેણે પોતાના કટાક્ષબાણથી વીંધી નાખ્યો છે, તે સુંદરી એના કરતાં પણ વિશેષ સુંદર હશે, એવી કલ્પના સહજ કરી શકાય છે. અહાહા ! તે કેવી અને કેટલી બધી અલૌકિક સુંદરી હશે ! ઠીક, પણ આ અસહાય તરુણને આપણે સાવધ તો કરવો જ જોઇએ.” એમ કહીને તેના મુખ અને નેત્રો પર જલસિંચન કરી મૂળદેવે તેને હાથનો આધાર આપી સાવધતામાં લાવીને બેઠો કર્યો. શુદ્ધિ આવી ને જુએ છે તો તે લલનાનો ત્યાંથી લોપ થએલો હોવાથી તેને સર્વ શુન્યવત્ દેખાયું. માત્ર બે પુરૂષો ત્યાં ઊભેલા તેને મંદ મંદ દેખાયા. તે સાવધ થઈને બેઠો તો ખરો, પણ લલનાને ન જોવાથી હૃદયમાં બહુજ ખિન્ન થઇ ગયો. મૂળદેવે તેને પૂછ્યું કે;–“ભાઇ ! તારી આવી દશાનું કારણ શું છે?” તો તરુણ વિપ્ર કહેવા લાગ્યો કે-“તમારાથી મારા દુઃખનું નિવારણ થઇ શકે તેમ તો છેજ નહિ, એટલે પછી