પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
વીરક્ષેત્રની સુન્દરી-૨

રાજા ગભરાટમાં પડી ગયો અને નીચું મોઢું કરીને કહેવા લાગ્યો કે;–“મહારાજ, ધરાદેવ ! મને મારા અપરાધની ક્ષમા આપો !"

“રાજન ! તેં મારો શો અપરાધ કર્યો છે ? આટલા દિવસ મારી સ્નુષાનું રક્ષણ કર્યું એ તો મારા પર તારો એક મોટામાં મોટો ઉપકાર જ છે કે જેનો બદલો મારાથી કદાપિ આપી શકાય તેમ છે જ નહિ.” બ્રાહ્મણે આશ્ચર્યચકિત થઈને કહ્યું.

એ પછી જ્યારે રાજાએ તેની ગેરહાજરીમાં બનેલા બનાવનો સધળો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો, ત્યારે તે બ્રાહ્મણ મહા સંતપ્ત થઈને બોલ્યો કે –“મારા આ અંધયષ્ટિકાસમાન પુત્રને પોતાની સ્ત્રીમાં અત્યંત અનુરાગ હતો, અને તે એટલો બધો કે હવે તે મારો એ પુત્ર પત્નીના વિયોગથી મરી જ જવાનો. અરે અનાચારી રાજન વૃદ્ધાપકાળમાં મારો તો શસ્ત્ર વિના જ ઘાત કરી નાખ્યો. હું આ અન્યાય વિષે ઈશ્વર આગળ પોકાર કરીને નિત્ય તને શાપ આપતો રહીશ ! જો બ્રાહ્મણના શાપથી બચવું હોય, તે તારી સ્નુષાને લાવ મારા પુત્ર આગળ હાજર કરી દે અને અમને આ પા૫પુરીમાંથી વિદાય કર. જો એમ ન જ બની શકે, તો મારા પુત્ર સાથે તારી રાજકન્યાનો લગ્નસંબંધ કરી આપ !”

રાજાએ શાપના ભયથી બ્રાહ્મણની ઇચ્છા પ્રમાણે પોતાની રાજકુમારીને તેના પુત્ર સાથે પરણાવી દીધી. ત્યાર પછી તે તરુણ બ્રાહ્મણ કેટલાક દિવસ સાસરિયાંનાં સુખો ભોગવીને પછી પોતાની પત્નીને લઈ પોતાની જન્મભૂમિમાં ચાલ્યો ગયો.

આ પ્રમાણેની કથા સંભળાવ્યા પછી મેં કહ્યું કે;-“ભદ્રે ! સારાંશ એટલો જ કે, તે બ્રાહ્મણકુમાર પ્રમાણે જ મને એ સ્ત્રીના પ્રેમનો ઉન્માદ લાગી ગયો. છે. અર્થાત્ તેના સદ્ભાગવયેાગે જેવી રીતે પરોપકારી બ્રાહ્મણ મૂળદેવ અચાનક ત્યાં આવી લાગ્યો, અને તેના મનોરથને અદ્ભુત ગુટિકા દ્વારા પૂર્ણ કરી તેના પ્રાણને બચાવ્યા, તેવી રીતે આજે મારા મનોરથને પૂર્ણ કરી તમે મારા જીવન નું રક્ષણ કરો.