પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમરતની આકાંક્ષાઓ
૧૦૫
 

 નણંદની શેહમાં દબાઈ ગઈ હતી. એનામાં જે થોડુંઘણું દૈવત હતું એય નણંદે હણી નાખ્યું હતું. પરિણામે અમરતને મન ભાભી તો ત્રણ – તેરની કોઈ ગણતરીમાં જ નહોતી. તે પછી સુલેખા જેવી હજી કાલ સવારે ચાલી આવનારી છોકરડીને તો અમરત દાદ પણ શેની દિયે ? એ નખ જેવડી વહુવારુ તે વળી કોણ કે એની કદમબોશી કરવી પડે? કદમબોસી ખિદમતગીરી, ખુશામતખોરી એ સઘળાને માટે અમરતની નજરમાં એક જ માણસ લાયક પુરવાર થયો હતો : રિખવ. એ બાળાશેઠ જ આવતી કાલનો સાચો શેઠ થવા સર્જાયો છે. દુનિયા તો આદિકાળથી ઊગતાને પૂજતી આવી છે. યેનકેન પ્રકારેણ રિખવને રાજી રાખો, તો જતે દિવસે એ જવાબ દેશે. બાકીનું બધું તો ફિફાં ખાંડવા બરાબર છે. રેતીમાંથી તેલ નીકળ્યું સાંભળ્યું છે ક્યાંય ? આંબાને પાણી પાવ તો કોક દિવસ મહોર આવશે. બાવળને ઉજેર્યે શું ફાયદો ?

અમરતે આંબો ઉજેરવા માંડ્યો. રિખવ માટે એ ઓછી ઓછી થવા લાગી. ભત્રીજાનો કૃપાટુકડો મેળવવા એ સઘળું કરી છૂટતી. એને ખાતરી હતી કે આવતી કાલે પોતાના દલુને વરાવવો–પરણાવવો એ રિખવના હાથમાં છે. જોકે, અમરતની નેમ તો એ કરતાંય ઘણી ઊંચી હતી. જે દલુને આજ દિવસ સુધી મામાની પેઢીમાં ધમલા ઝાડુવાળા જેટલુંય સ્થાન નથી મળી શક્યું, એ પેઢીમાં રિખવનું રાજ્ય ચાલે ત્યારે દલુને ભાગીદાર બનાવી દેવો એવી અમરતની આકાંક્ષા હતી.

મનમાં ઊંડે ઊંડે તો અમરતે એથીય મોટું સપનું સેવી રાખ્યું હતું. રિખવ કફેની જાગ્યો છે તેથી રખેને જતે દહાડે પેઢીનું ઉઠમણું થાય તો દલુ એનો કબજો લઈને ધણી બની બેસે… અને આટઆટલા વ્યાજનો વારસ બની શકે…

અમરતના મનના મણકા આગળ વધે છે… રિખવ, બસ રિખવને જ રાજી રાખું. બીજું આ ઘરમાં ને પેઢીમાં છે પણ