પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
વ્યાજનો વારસ
 

 કોણ ?… એક ચતરભજ છે ખરો ! આ નામ યાદ આવતાં અમરતના પેટમાં એક સુમધુર ધ્રુજારી પસાર થઈ ગઈ. એ ચતરભજ ! છેક કુમારવયથી પોતાને આ મુનીમ સાથે મૈત્રી બંધાઈ હતી. વખત જતાં એ મૈત્રીએ સ્નેહનું સ્વરૂપ લીધું… એ ચતરભજ !… પોતા ઉપર એના કેટકેટલા ઉપકાર ચડ્યા છે !

અમરતના શરીરમાંથી ફરી એક વખત ધ્રુજારી પસાર થઈ ગઈ, પણ આ વખતની ધ્રુજારી ઘડી વાર પહેલાં અનુભવેલી ધ્રુજારીના જેવી સુમધુર નહોતી પણ જીરવી ન શકાય એવી ભયપ્રેરક હતી. કોઈ નબળી ક્ષણે ભાન ભૂલીને આચરેલા કોઈક અઘટિત કૃત્યની યાદ દેનારી. ધરતીના ધણેણાટ રસમયી એ ધ્રુજારી હતી. એણે અમરતના ગુનાહિત પેટને ફફડાવી મૂક્યું. આખે ડીલે પરસેવો નિતારી દીધો.

ખુલ્લી આંખે જોવી પડતી જીવનની વાસ્તવિકતા ન ખમાતાં અમરતે આંખો મીચી દીધી.

*