પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરનાળાને ત્રિભેટે
૧૪૧
 

 સાધુઓએ મહંતજીના ચંબુમાંથી રિખવ શેઠના મોંમાં ચાપવે ચાપવે પાણી ટોયું,

મહંતજીનો એક હાથ રિખવ શેઠની નાડીના ધબકારા પકડવા મથતો હતો. બીજો હાથ તાળવા પર બ્રહ્મરંધ્રમાં ચેતનની શોધ કરતો હતો. હરહમેશ પ્રફુલ રહેનાર મહંતજીના મોં ઉપર ચિંતાની રેખાઓ વધતી જતી હતી. ઓચિંતા જ એમના પગ તળે ભીનો સ્પર્શ થયો. જોયું તો ઘાયલ આદમીના જખમમાંથી વહેતા લોહીનો એ પ્રવાહ હતો.

‘ઉઠા લો. ઔર મેરે સાથમેં મ્યાનેમેં રખ દો.’ મહંતજીએ સાધુઓને આદેશ આપ્યો : ‘ઔર ઓષધકી પેટી ભી મ્યાનેમેં રખ દો.’

ગોમતીતીરે, રણછોડરાયનાં દર્શન કરીને દ્વારકાથી પાછી ફરતી જમાત ચાર ધામની યાત્રામાં બદરી–કેદાર જવાની ઉતાવળમાં હોવાથી અહીં અંતરિયાળ થોભી શકે તેમ નહોતી તેથી બેશુદ્ધ રિખવ શેઠને મ્યાનામાં પોતાના ખોળામાં સુવડાવીને મહંતજીએ આદેશ આપ્યો :

‘આગે બઢો.’

જમાતના ડંકા–નિશાન ગગડ્યાં અને ફરી આરાધ ગાતો ગાતો સંઘ આગળ વધ્યો.

થોડી વારે ગરનાળાને ત્રિભેટે ફરી પહેલાના જેવી જ નીરવ શાંતિ છવાઈ ગઈ.

અંધારામાં અથડાતોકુટાતો દલુ પાણી લઈને આવી પહોંચ્યો અને જોયું તો ગરનાળા ઉપર કોઈ ન મળે, એને નવાઈ લાગી. આગળપાછળ આંટા માર્યા પણ ક્યાંય રિખવ શેઠનો પત્તો ન લાગ્યો ત્યારે એ હેબતાઈ ગયો. હાથમાંથી પાણીનું વાસણ પડી ગયું અને રઘવાયો થઈને એ મીંગોળાના મારગ ઉપર દોડ્યો.