પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
વ્યાજનો વારસ
 

 દલુ અર્ધેક પહોંચ્યો હશે ત્યાં જ સામેથી અધ્ધર શ્વાસે આભાશા, ઓધિયો, મકરાણી, ચાઉસ વગેરે સિગરામ જોડીને મારમાર ઝડપે આવતા હતા એનો ભેટો થયો.

‘એલા ક્યાં જાછ ? ભાઈનું શું થયું ? ક્યાં પડ્યા છે ?’ દલુને ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડ્યા.

પણ બઘામંડળ જેવો બની ગયેલ દલુને કશું બોલી શકવાના હોશ રહ્યા નહોતા.

સિગરામ ગરનાળા સુધી આવી પહોંચ્યો ત્યારે દલુ માંડ માંડ આખી ઘટના સમજાવી શક્યો.

હુમલો કરનારે સ્થળ પણ ગણતરીપૂર્વક શોધ્યું હતું એમ સહુને સમજાયું. ત્રણ સડકોના ત્રિભેટા અને બે રાજ્યોની સરહદોના મિલનસ્થાને જ ગરનાળું આવેલું હતું. બે રાજ્યોની હકૂમત જુદી પાડવા આ વોંકળો સીમારેખા આંકતો હતો. લૂંટફાટ અને ખૂનખરાબી કરીને એક સરહદમાંથી બીજીમાં છટકી જવાની અનુકૂળતાને કારણે આ સ્થળે અનેક ગુના બનતા રહેતા.

ગરનાળાની બખોલમાં, વોંકળાના વાંકઘૂંકમાં તેમ જ આસપાસમાં લાંબી ગોતાગોત કર્યા પછી લાગ્યું કે દલુ પાણી ભરવા ગયો એ દરમિયાન, ખૂન કરનારાઓ જ રિખવની લાશ ઉઠાવી ગયા હશે.

લાંબી ગોતને પરિણામે લગભગ પરોઢ થવા ટાણે ભગ્નહૃદય આભાશા અને રસાલો જસપરને મારગે પાછો આવતો હતો ત્યારે દલુને એની ગફલત બદલ સહુ ઠપકો આપતા હતા.

*