પૃષ્ઠ:Vyajno Varas.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
વ્યાજનો વારસ
 

 રહેતી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા અને એમને ખીલવવા માટે પાછળ પુત્ર હોય એ અત્યંત જરૂરી છે. રિખવ જીવતો રહ્યો હોત તો…’

‘પ્રભુ, મારું નસીબ ફૂટેલું હશે.’ આભાશાએ વચ્ચે કહ્યું.

‘જેવી જિનપ્રભુની મરજી. પણ આજે તો આપના પ્રશ્નના ઉત્તર રૂપે હું હા કે ના કશું નહિ કહું તમારી દરખાસ્તનો હું સ્વીકાર કે અસ્વીકાર કશું નહિ કરું. હું તો હવે માનતો થયો છું કે માયાનું મમત્વ જ મનુષ્યને અનેકવિધિ સંતાપનું કારણ બને છે. આઠેય કર્મમાં મોહની કર્મને ભૂંડો કહ્યો છે. રાગી મનુષ્યને વીતરાગી બનવામાં એ કર્મ જ નડતરરૂપ બને છે. તમે પણ રાગથી પીડાઈ રહ્યા છો. આટલી બધી ઇસ્કામત મારી છે, એ ભાવના જ દુ:ખકારક છે. અમે સાધુઓ તો એમ જ માનીએ છીએ કે અઢળક સંપત્તિની માલિકી એકાદ વ્યક્તિની નહિ પણ સમાજની જ હોવી જોઈએ. જનતા – જનપદ જ એ સંપત્તિ સાચવી શકે. એ સાચવવાની તમારામાં શક્તિ નથી અને અધિકાર પણ નથી.’

‘પ્રભુ, મારી પોતાની મહેનતથી પ્રાપ્ત કરેલી પૂંજી માટે…’

‘શાહ, મહેનત તો ગૌણ વસ્તુ છે. વધારે તો તક અને અકસ્માતનું જ એ પરિણામ હોય છે. છતાં દ્રવ્યની પ્રાપ્તિ તેમ જ સંચયમાં પણ મનુષ્યે જનકલ્યાણની ભાવના નજર સમક્ષ રાખવી જોઈએ. તમે એ ભાવનામાંથી ચ્યુત થયા છો એમ લાગે છે.’

‘ભગવન્ત, મારે માટે આપનો આવો અભિપ્રાય…?’

‘જી હા, હું જસપર તેમ જ મીંગોળાને ઘેરે ઘેર ગોચરીનું બહાનું કાઢીને ફરી આવ્યો છું અને જાણી લીધું છે કે તમારા મુનીમ ચતરભજે ઘૂંટડે ઘૂંટડે લોકોનાં લોહી પીધાં છે.’

‘પ્રભુ, એ મુનીમ મને પણ બદનામ કરે એ સ્વાર્થી છે…’

‘એ મુનીમ તમને માત્ર બદનામ જ નથી કરતો, એ તમારો સર્વનાશ નોતરી રહ્યો છે, જેની શરૂઆત રિખવના અકાળ મૃત્યુથી થઈ ચૂકી છે……’