પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૂનું સુવર્ણપાત્ર
૧૯૫
 

 આભાશાને લાંબા મંદવાડને કારણે ખોરાક ઉપરથી રુચિ ઊઠતી જતી હતી તેથી અમરતે સૂચવ્યું કે ભાઈ માટે તાજા પાપડ વણો. આ સૂચન નંદનને ગમ્યું. પણ એ બહાનેય પોતે પતિની પથારીથી દૂર ખસી નહિ. ઓરડાના ઉંબરા ઉપર બેસીને એણે પાપડ વણ્યા, જેથી એક આંખ સતત આભાશાના ખાટલા ઉપર રહી શકે. પરિણામે અમરતની યોજના ફળીભૂત ન થઈ શકી તેથી એણે દલુને બોલાવીને એક કીમિયો સૂચવ્યો.

છેક ડેલીના બારણા પાસે આથમતા પહોરનો તડકો જઈ પહોંચ્યો હતો, તેથી પાપડ સૂકવવા માટે ખાટલા છેક ડેલી પાસે ઢાળવા પડ્યા હતા.

આભાશા હમણાં હમણાં એટલા તો અશક્ત થઈ ગયા હતા કે બોલવામાં પણ એમને અસહ્ય પરિશ્રમ પડતો. વળી, છેલ્લા થોડા દિવસની માનસિક યાતનાઓને પરિણામે એમને ચિત્તભ્રમ જેવું પણ થયું હતું. એમના બોલવામાં પણ કશો ધડો નહોતો રહ્યો. ઘડીક તેઓ મૃત રિખવને યાદ કરતા અને એ જાણે પોતાની સામે જીવતો બેઠો હોય એમ વાતો કરવા માંડતા. ઘડીક વિમલસૂરીને વ્યાખ્યાન આપતા કલ્પીને પોતે 'જી હા !’ ‘જી.. હા !’ ‘સાચું ગુરૂદેવ!’ એમ હોંકારા ભણ્યા કરતા અને એમની સાથે તત્વચર્ચા પણ કરતા. કોઈ કોઈ વાર સોલો ચડે ત્યારે તેઓ ઉપરાઉ૫૨ દર્શની અને મુદતી હૂંડીઓ લખાવ્યા કરતા, આંગળીના વેઢા ઉપર વ્યાજની ટકાવારી ગણ્યા કરતા. આવે પ્રસંગે તો અડખે પડખે બેઠેલા સહુને બે ઘડી હસવાનું મળતું, પણ જ્યારે જ્યારે તેઓ રિખવ સાથે વાત કરવા માંડતા, ત્યારે સાંભળનારાઓ સહુ રડી પડતા. રિખવનાં સ્મરણો જીરવવાં કઠણ હતાં. ચિત્તભ્રમની દશા જયારે સન્નિપાતે પહોંચી ત્યારે તો આભાશા એટલી ઉત્કટતાથી રિખવ સાથે વાત કરવા મંડી પડતા કે જાણે હવામાંથી હીબકાં સંભળાતાં હોય એવું ગમગીન વાતાવરણ ફેલાઈ જતું.