પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
વ્યાજનો વારસ
 

નાખી જોઈ પણ ખરી.

પણ અરમતને એવાં બાહ્ય સૂચન કે સલાહની જરૂર રહે ખરી ? એણે તો દલુને આ પેઢીના તિજોરીવાળે તકિયે બેસાડવાનાં સપનાં સેવવાનું ક્યારનું શરૂ કરી દીધું હતું. સઘળો વારસો સુલેખાના હાથમાં જતો અટકે એટલે બેડો પાર છે એમ અમરત માનતી હતી. અને વારસો સુલેખાના હાથમાં જતો અટકાવવા માટે આભાશાને ત્યાં એક પુરુષ–વારસાની હાજરીની જ જરૂર હતી. અને એ અંગે તો અમરતે ક્યારનું કાઠું તૈયાર કરી રાખ્યું હતું.

લગનની ઉપાધિ પત્યા પછી અમરત સમક્ષ આ બીજી ઉપાધિ આવી પડી.

ચંપાના લગનનિમિત્તે પિયર ગયેલી નંદન હજી ત્યાં જ રોકાઈ ગઈ છે, અને સુવાવડ પતાવ્યા પછી જ એ અહીં આવશે એવી વાત ફેલાવતી ગઈ છે.

સુવાવડ આવવાને આગોતરા એકાદ મહિનાથી અમરતને પણ નંદને પોતાને પિયર બોલાવી.

અમરત વિચારમગ્ન રહે છે. અનેક તરકીબો રચે છે, ઘોડા ઘડે છે; પણ હજી સુધી પાટો બાઝ્યો નથી.

પૂર્વ યોજના પ્રમાણે નંદન એકાન્તવાસ જ સેવે છે. તાંસળીની તરકીબનો પૂરેપૂરો લાભ લે છે અને ભાવિ જીવનનાં સુખદ સપનાં સેવે છે.

અમરત ગામનાં નીરનિરાળાં સ્થળોએ જાય છે. અસૂર સવારે આંટાફેરા કરે છે; પણ ક્યાંય હજી મેળ મળતો નથી.

દરમિયાનમાં નંદનના ‘દિવસો’ ભરાતા જાય છે અને અમરતની ચિંતા વધતી જાય છે. આ નાટકમાં નિષ્ફળ તો નહિ જઈએ, એવો સહેજ અંદેશો પણ અમરતને અકળાવી રહ્યો છે.

ગામ છોડીને, કોઈ ન જાણે એવી રીતે બહારગામમાં પણ અમરત આંટાફેરા ખાવા માંડ્યા. ત્યાં કોઈ કોઈ વાર તો એની