પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
વ્યાજનો વારસ
 

 ફરી, શેઢે પડ્યાં પહેરો ભરી રહેલ કૂતરાંના કાન ચમક્યા. પસાર થનારાઓનાં પગલાં આ પ્રાણીઓને પરિચિત ન લાગ્યાં. આદમીએ ઉપાડેલ કરંડિયામાં જાણે કે આ વસાહતનો પ્રાણ લૂંટાતો જાય છે એવી કોઈ સમજથી જ આ મૂંગાં કહેવાતાં પ્રાણીઓએ બમણા જોશથી ભસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

આગળ નીકળી ગયેલી ઓરત પાછળથી આવતા અવાજો સાંભળીને મનમાં કહેતી હતી :

‘ડાંઉ ડાંઉ કર્યા કરો તમતમારે ! આ અમરત કોઈને કાનસરો દિયે એવી નથી, ભલેને દુનિયા આખી ભસ્યા કરે ! બંદા બેઠા માંચી ને દુનિયા ડહોળે પાણી.’


*