પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
વ્યાજનો વારસ
 

 લગી પહોંચેલો ખટપટિયો, અને અમરતની જ દયાથી એ હોદ્દે ટકી રહેલો પામર પેટભરું.’

એકીસાથે અમરતે ચતરભજને ત્રણ ત્રણ નવાજેશો ભેટ ધરી, પણ ચતરભજના મોંની તો એક પણ રેખા બદલાતી નથી.

‘હું પેટભરું, એમ કે ?’ ચતરભજે મૂછનો ઊડતો કાકડો હોઠ વચ્ચે લેતાં કહ્યું : ‘આ ચતરભજે જાત નિચોવીને તમારી પેઢીનાં પેટ ભર્યાં છે. આસામી ડૂલ થવા બેઠી હતી ત્યારે આ ચતરભજે એને તારી છે. ઘણી વાર એકસમાટી હૂંડીઓ આવી પડતી ત્યારે આભાશા નાણાભીડમાં આવી પડતા; એવે ટાણે આ ચતરભજે આબરૂ સાચવી છે; અને જીવણશા જેવા જોરૂકા હરીફની સામે વ્યાજવટાવ ભાંગી પડતો હતો એમાંથી મારું લોહી રેડીને મેં ધંધો ટકાવી રાખ્યો…’

‘બીજું કાંઈ બોલવાનું બાકી નથી રેતું ને ?’

‘બાકી તો શું રહે ? ને બોલવુંય શું ? મેં મૂરખાએ પારકાંને પંડનાં માણસો ગણીને આટલી ગધામજૂરી કરી ત્યારે તમે આટલાં ચગદળિયાં કરો છો ને ? મેં ગમે તેવાં કાળાંધોળાં કરીને તમારાં સહુનાં પેટ ભર્યાં ત્યારે તમે મને પંડને જ પેટભરુ કહેવા આજે તૈયાર થયાં ને ?’

‘પેઢી સારુ તેં ગમે તેટલું કર્યું, પણ તારું પોતાનું ઘર ભરવામાંય તેં કાંઈ કમીના નથી રાખી…’

‘અને તમે વળી કમીના રાખી હશે !’

‘મારી વાત કરજે મા. મારો ને તારો મોભો નોખો છે. તું એક વાણોતર છો.’

‘વાણોતર છું, એમ ?’ ચતરભજ હજીય મૂછો ચાવતો હતો.

‘હા, હા, વાણોતર જ છો. તારી દાઢમા હજી મારા દીધેલા અન્નના દાણા છે. હું કહું એમ તારે કરવું જ પડશે. કૂબાવાળીની વાત જો વાને કાને પણ ગઈ છે, તો તારી ખેર નહિ રહે…’