પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિંગેભોરિંગના લબકારા
૨૪૯
 


‘હા, એમાં હેબતાઈ જવાની જરૂર નથી. આ તમારી ગુપ્તી મારી છાતીમાંથી આંતરડાં તો શું, પણ લોહીનો એક ટશિયોય નહિ કાઢી શકે…’

‘હેં !’

‘હા, બાપુ, હા. ભગવાને તમને આંખ આપી છે તો આની અણી ઉપર તો નજર કરી જુઓ જરાક ! મને તો તમે આંધળું ઘડપંખ ગણો છો, પણ તમેય છતી આંખે મારા જેવાં કાં થાવ ?’

અમરતે ગુપ્તી ઊંચી કરીને એની અણી તપાસવા માંડી.

ચતરભજે ગુપ્તીને ઉદ્દેશીને એ જ ઉપહાસ ચાલુ રાખ્યો હતો :

‘એ… હે… હે… ! સાવ બુઠ્ઠી | લોઢાના મજાગરા જેવી | ભાંગેલ નકુચાનો ભંગાર જ ! એનાથી કોઈનાં કાળજું તો ન વીંધાય પણ છોકરાંવને મોઈ–દાંડિયે રમવાની ગબી ખોદતાંય મુશ્કેલી પડે…’

ગુપ્તીની ઉપર આંગળાં ફેરવતાં ફેરવતાં અમરતે પૂછ્યું :

‘આની અણી કાણે બેવડ વાળી નાખી છે ભલા ?’

‘બીજું કોણ હોય ?’

‘કોણ ? બોલી નાખ ઝટ !’

‘કાળાં કામનો કરનાર આ ચતરભજ પંડે જ ! બીજું કોણ ?’

‘આમ કેમ કરવું પડ્યું ભલા ?’

‘દલુ પેઢીએથી આ આંકણી લેવા આવ્યો ત્યારે જ ઝટપટ એની અણી મારે ટીપી નાખવી પડી.’

‘કારણ ?’

‘કારણમાં તો શું બીજું ? શ્રાવકના ઘરમાં આવું હિંસક હથિયાર શોભે ? વિમલસૂરી કોક દી જોઈ જાય તો આવા ઘરને સંઘમાંથી બહાર કાઢી મુકાવે ને ભૂલેચૂકે આવું હથિયાર મારા જેવા માણસ ઉપર વપરાઈ જાય તો ઠાલાં તમે આવતે ભવે તિર્યંચયોનિ પામો…’