પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોરિંગેભોરિગના લબકારા
૨૫૧
 

 અમરતે ખુલ્લી ગુપ્તીનો ખૂણામાં ઘા કર્યો. એના હૃદયમાં ચતરભજ માટે યૌવનવયનો ઊર્મિ–ઉછાળો ધસી આવ્યો.

ચતરભજ એ જ શાન્ત તેજે અમરતને મહાત કરી રહ્યો હતો.

અમરતને મોંએથી ફરી એ જ શબ્દો બહાર પડ્યા :

‘ચતરભજ, તું ખરો ભારાડી છે. તારા જેવો જબરો માણસ મેં આજ દિવસ...’

પણ આટલું બોલતાં તો અમરતનો ઊર્મિ–ઉછાળો એવો તો અદમ્ય બની ગયો કે એ જાણે ઊઠતીકને ચતરભજને બાથ ભરીને વળગી પડી — વર્ષો પહેલાં પતિને પાટુ મારીને નાસી આવ્યા પછી આ યુવાન મુનીમને વળગી પડી હતી એમ જ.

ધમણની માફક ઊછળતી અમરતની છાતીના ધબકારા ચતરભજે પોતાના અંગરખા સોંસ૨વા સાંભળ્યા ત્યારે એને જરાક વસવસો થયો : ‘આ અમરતડીનું કાળજું લોઢાનું ખરું પણ પાકા લોઢાનું નહિ, બરડ ધાતુનું લાગે છે. આવે ટાણે બટકી બેસતાં વાર ન લાગી ! આ બટકણે કાળજે પારકી પેઢીના ભોગવટા કરવા નીકળી છે ! ચૂડલાવાળીઓ ભોગવટા કરી જાય તો તો થઈ જ રહ્યું ને !’

અને છેવટે ચતરભજે મનમાં ચુકાદો આપ્યો :

‘ગમે તેવી અજવાળી તોય રાત તો ખરી જ !’

*